સુરવદરમાં પાણીના પ્રશ્નનો સુખદ અંત આવ્યો, ગામલોકોના ધરણા સમેટાયા

પાણી પુરવઠા હેથળના સંપ સંચાલક અને તાલુકા વિકાસ અધિકારીની બાહેધરી બાદ ધરણા સમેટાયા

હળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામે પાછલા દસેક દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી. જે પાણી પીવા મળતું હતું તે ક્ષારયુક્ત હતું અને નર્મદાનું પાણી મળતું ન હતું. જેને કારણે ગ્રામજનો પ્રતિક ધરણા પર ઉતર્યા હતા. જો કે સાંજ પડતાં ધરણા સમેટાયા છે અને ગામલોકોને સવારથી જ નર્મદાનું પાણી આપવા માટેની પાણી પુરવઠા હેથળના સંપ સંચાલક દ્વારા બાહેધરી આપવામાં આવી છે. જેથી, ગ્રામજનોના પાણીના પ્રશ્નનનો સુખદ અંત આવ્યો છે.

હળવદ તાલુકાના સુરવદર ગામે જે પંચાયત હસ્તકનો બોર છે. તેમાં ક્ષારયુક્ત પાણી આવતું હોવાને કારણે પાણી પીવાલાયક રહ્યું ન હતું સાથે જ બ્રાહ્મણી ડેમમાં પાણી હોવા છતાં પણ ગ્રામજનોને પીવા માટે પાણી આપવામાં ન આવતું હોવાને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તો બીજી બાજુ સુરવદરના ગ્રામજનોને દેવળીયાના સંપમાંથી પીવા માટેનું પાણી આપવામાં આવતું હતું. જો કે આ લાઇનમાં અમુક કારખાનાના લોકો દ્વારા ગેરકાયદેસર પાણી લઈ લેવામાં આવતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેને કારણે સુરવદર ગામ સુધી પાણી પહોંચી શકતું ન હતું.

જો કે આજે ગ્રામજનો દ્વારા પાણી પ્રશ્ને પ્રતિક ધરણા પર ઉતરતા પાણી પુરવઠા હેઠળના સંચાલક મહેન્દ્રભાઈ અને તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ ગ્રામજનોને સવાર સુધીમાં પાણી મળી રહેશે તેવી બાંયધરી આપ્યા બાદ પારણા કરાવ્યા હતા. જો કે હાલ સંપમાં પાણી પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જે પાણી સવાર સુધીમાં ગામમાં પહોંચી પણ જશે તેમ જાણવા મળી રહ્યું છે.