હળવદ : છૂટાછેડા થવા છતાં પ્રથમ પત્નીને ફરી ઘરમાં બેસાડીને પતિએ બીજી પત્નીને ત્રાસ આપ્યો

પરિણીતાએ પતિ ઉપરાંત સસરિયાઓ સામે શારીરિક-માનસિક દુઃખ, ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

હળવદ : હળવદમાં રહેતી પરણિતાએ તેના પતિ અને સાસરીયાઓ સામે શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યાની મોરબીના મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં અગાઉ છૂટાછેડા થઈ ગયા હોય અને બીજા લગ્ન કરી લીધા હોવા છતાં પતિ પ્રથમ પત્નીની ઘરે લાવ્યો હતો. આ મામલે પતિ સાથે સસરિયાઓ મદદગારી કરીને પરિણીતાને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ખરાવાડ નવનિર્માણ સ્કુલની પાછળ ઘાંચી જમાત ખાના પાસે રહેતા તસ્લીમાબેન ઇરફાનભાઈ મીનાપરા (ઉ.વ-૨૬) એ થાનગઢ ગામે તરણેતર રોડ, જોગાશ્રમ પાછળ, જી.સુરેન્દ્રનગર ખાતે રહેતા તેના પતિ ઇરફાનભાઇ ઇકબાલભાઇ મિનાપરા તથા સાસુ ખતિજાબેન ઇકબાલભાઇ મીનાપરા અને હસીનાબેન જાવિદભાઇ કલાડિયા સહિતના સસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિએ અગાઉ પ્રથમ સાહિસ્તાબેન સાથે નિકાહ કર્યા હતા અને તેની સાથે તલાક થયા બાદ ફરીયાદી સાથે બીજા નિકાહ કર્યા હોય અને નિકાહના છએક માસ બાદ પતિએ તેની પ્રથમ પત્ની સાથે સંપૅકમાં આવ્યો હતો અને તેને તેડી લાવતા આ મુદ્દે ઝઘડો થવાથી પતિએ ફરીયાદીને શારીરિક માનસીક દુખ ત્રાસ આપી મારકુટ કરવાનું શરૂ કર્યું હતુ.

આથી, ફરીયાદીએ તેના સાસુ અને નણંદને તેના પતિએ આપેલ ત્રાસ બાબતે વાત કરતા તેના સાસુ અને નણંદએ ફરીયાદીને કહેલ કે ઇરફાન તેની પ્રથમ પત્ની શાહિસ્તાને તો રાખશે જ અને તે બધુ જ તારે સહન કરવુ પડશે, તેમ કહીને ફરીયાદીને ત્રણેય આરોપીઓએ શારીરિક માનસીક દુખ ત્રાસ આપી મારકુટ કરી હતી. આ બનાવ અંગે મહિલા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.