મોરબી પાલિકાની નવતર પહેલ : સૂકો પ્લાસ્ટિકનો કચરો આપો અને આકર્ષક ભેટ લઈ જાઓ

શહેરીજનો માટે પ્લાસ્ટિકનો જુદો કરેલો કચરો આપી આકર્ષક ગિફ્ટ મેળવવાની યોજનાનો 31 જુલાઇથી અમલ થશે

મોરબી : મોરબી નગરપાલિકા તંત્રએ સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કરવા નવતર પહેલ કરી છે. ખાસ કરીને અત્યાર સુધી ક્યારેય ન બન્યું હોય એવી એક યોજના અમલમાં મૂકી છે. જેમાં શહેરીજનોને પ્લાસ્ટિકનો સૂકો કચરો આપવા બદલ આકર્ષક ભેટ આપવાની યોજનાનો આવતીકાલ 31 જુલાઈથી અમલ કરાશે. ‘ચાલો આપણે સાથે મળીને મોરબીને સ્વચ્છ બનાવીએ’ એવા હેતુ સાથે પ્લાસ્ટિકનો જુદો કરેલો કચરો આપો અને મેળવો આકર્ષક ભેટ પાલિકાની નવતર યોજના ખરેખર સફળ થાય છે કેમ તે અગત્યનું છે.

મોરબી પાલિકા તંત્રએ હાલમાં શહેરને સ્વચ્છ બનાવવા માટે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે. ખાસ કરીને શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કરવા માટે એક નવતર પ્રકારની યોજના અમલમાં મૂકી છે. જેમાં સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત સહયોગથી મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આવતીકાલે 31 જુલાઈથી પ્લાસ્ટિકનો જુદો કરેલા કચરા આપવા બાદ લોકોને આકર્ષક ભેટ આપવાની યોજનાનો અમલ થશે. જેમાં મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે, સુરજબાગ ખાતે તથા સામાકાંઠે કેશરબાગ ખાતે એમ ત્રણ જગ્યાએ જે લોકો સૂકો જુદો કરેલો પાલસ્ટિકનો કચરો આપશે. તેને નગરપાલિકા આકર્ષક ગિફ્ટ ભેટમાં આપશે. મોરબી પાલિકાએ ચાલો આપણે સાથે મળીને મોરબીની સ્વચ્છ બનાવીએ અને સૂકો પ્લાસ્ટિકનો કચરો આપો અને મેળવો આકર્ષક ભેટ એ યોજના લાગુ કરી છે.

આ નવતર યોજનામાં 1થી 4 કિલો સુધીની નકામી પાણીની પ્લાસ્ટિકની બોટલો સામે પ્લાસ્ટિકની સુપડી, ખુરશી, ડોલ, કુંડું તેમજ 1 થી 3 કિલો સુધીની ડિસ્પોઝેબલ ગ્લાસ સામે પ્લાસ્ટિકની સુપડીઓ, પ્લાસ્ટિકનું ડ્રમ તથા 1 થી 3 કિલો સુધીની પ્લાસ્ટિકની શેમ્પુ જેવી બોટલો સામે ન્હાવા માટેના પ્લાસ્ટિકના સાધનો, 1 થી 3 કિલો સુધીના પ્લાસ્ટિકની વપરાયેલી દૂધની કોથળીઓ સામે ડોલ, ડ્રમ સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ, 1 થી 3 કિલો સુધીની પ્લાસ્ટિકની અલગ અલગ પેકિંગની કોથળીઓ સામે ડોલ સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ તેમજ 1 થી 3 કિલો સુધીના પ્લાસ્ટિકના રમકડા સામે સુપડી, ડોલ સહિતની પ્લાસ્ટિકની ઘર વપરાશની વસ્તુઓ ભેટમાં અપાશે. એકંદરે આ નવતર યોજનાથી મોરબીમાં પ્લાસ્ટિક કચરા નાબુદી માટે ઉજળા સંજોગો નિર્માણ થયા છે.