મોરબી અને હળવદમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

- text


વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજના સમયે ઝાપટું પડ્યું, પવનના કારણે અમુક સ્થળોએ ખાના ખરાબી પણ સર્જાઈ

મેહુલ ભરવાડ/ હરદેવસિંહ ઝાલા/ કાસમ સુમરા

મોરબી : મોરબી અને હળવદમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ સાથે વાંકાનેરમાં પણ એકાદ કલાક પહેલાં ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટું પડ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. બીજી તરફ ટંકારામાં વાતાવરણ સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ વાતાવરણમાં પલટો યથાવત રહ્યો છે. મોરબી શહેરમાં આ લખાઈ છે ત્યારે વરસાદ શરૂ થયો છે. પવન અને વિજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે. જેને લીધે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાની પણ વિગતો મળી રહી છે. શહેરની સોની બજારમાં આવેલ વેરાઈ શેરીમાં એક મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ માળિયામાં પણ હાલ ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. સાથે મીની વાવાઝોડું હોય તેવો ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

હળવદમાં પણ ધોધમાર વરસાદ હાલ ચાલુ છે. જે અંદાજે એક કલાકથી લગાતાર ચાલુ હોવાના વાવડ મળી રહ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી વહેતા થઈ ગયા છે.ગતરાત્રીના અને આજે આવેલ વરસાદને કારણે હળવદ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકના ઘણા વિસ્તારોમાં છાપરાં ઉડયા હતા તેમજ મકાનોનાં પતરાં પણ ઉડ્યા છે પાંડાતીરથ ગામે વૃક્ષો ધરાશાયી થયા હોવાના વાવડ મળી રહ્યા છે. જ્યારે કડીયાણા ગામમાં વૃક્ષ ટ્રેક્ટર પર પડયું હોવાનું પણ સામે આવ્યું છે જ્યારે પાંડાતીરથ ગામે બાગાયતી ખેતીમાં પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

વાંકાનેર તાલુકાના નવી કલાવડી અને ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે એકાદ કલાક પૂર્વે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના લીધે આ વિસ્તારમાં ખાના ખરાબી સર્જાઈ હતી જેમાં નવી કલાવડી ગામના ખેડૂતનું ગામની સીમમાં આવેલ 5000 મરઘાની કેપેસીટી વાળું પોલ્ટ્રી ફાર્મ ભારે પવનના કારણે ધ્વસ્ત થઈ ગયું હતું જેમાં અમુક મરઘાના મોત થયા હતા તો બીજી બાજુ ફાર્મ હાઉસમાં નુકસાન થયું હતું. ખેરવા ગામમાં રાજકોટ રોડ ઉપર બસ સ્ટેશન પાસે એક ઝાડ પડી જતાં રાજકોટ રોડ બંધ થઈ ગયો હોવાની પણ વિગતો મળી રહી છે. જ્યારે ટંકારામાં અત્યારે સામાન્ય વાતાવરણ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text


મોરબી 


હળવદ


વાંકાનેર

- text