કોરોનાગ્રસ્ત વૃધ્ધા બે દિવસથી હતા બીમાર, આરોગ્ય વિભાગને ફોન કરવા છતાં યોગ્ય પગલા ના લેવાયા : સ્થાનિકોનો આક્ષેપ

- text


ક્વોરોન્ટાઇન હોવા છતાં વૃધ્ધાને જાતે હોસ્પિટલે જવાની ફરજ પડી

મોરબી : મોરબીમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ સ્થાનિકોએ આરોગ્ય વિભાગ ઉપર આક્ષેપો કર્યા છે કે કોરોનાગ્રસ્ત વૃધ્ધા છેલ્લા બે દિવસથી બીમાર હતા. આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અને અંતે આ વૃધ્ધાને હોસ્પિટલે જાતે જવાની ફરજ પડી હતી.

મોરબીના વાવડી રોડ ઉપર રેવાપાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના 60 વર્ષીય વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વૃધ્ધા મુંબઈ તેમના દીકરાના ઘરે ગયા હતા. બાદમાં લોકડાઉન થતા ત્યાં ફસાઈ ગયા હતા. જો કે ત્યાં તેઓ એકલા જ ગયા હતા. બાદમાં છૂટ મળતા મંજૂરી મેળવીને તેઓ પરત મોરબી ફર્યા હતા. તેમની સાથે અન્ય ચારથી પાંચ લોકો પણ હતા.

અહીં આવ્યા બાદ આ વૃધ્ધાને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જો કે અહીંના સ્થાનિકોએ જણાવ્યું કે વૃધ્ધાને ક્વોરોન્ટાઇન કર્યા બાદ આરોગ્ય વિભાગે તેઓની કોઈ દરકાર લીધી ન હતી. છેલ્લા બે દિવસથી આ વૃધ્ધા બીમાર હતા. તે અંગે જાણ કરવા છતાં આરોગ્ય વિભાગ સમયસર આવ્યું ન હતું. અંતે વૃધ્ધાને જાતે જ હોસ્પિટલમાં જવું પડ્યું હતું. અને ત્યાં તેઓનું પુલિંગ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

- text

જોકે આ અંગે આરોગ્ય વિભાગે ખુલાસો કર્યો હતો કે વૃધ્ધાની તબિયત અંગે ફોન આવતા ગઈકાલે એક ટિમ તેમના ઘરે મોકલાઈ હતી. અને તેમને વધુ સારવાર માટે હોસ્પિટલે જવાની સૂચના આપી હતી. અને બાદમાં તેઓ મોરબી સિવિલમાં ગયા હતા. જ્યાં તેમને કોઈ ખાસ શંકાસ્પદ લક્ષણો ના જણાતા સિવિલ હોસ્પિટલના સ્ટાફે તેમનું પુલિંગ સેમ્પલ લઈ જવા દેવામાં આવ્યા હતા. અને બાદમાં આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

- text