સેવાનો ટહુકાર : મોરબી જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ

- text


મોરબી : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લોકોની બિનજરૂરી અવર-જવર ટાળવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં બીજીવખત લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. પ્રથમ લોકડાઉન વખતે મોરબીમાં સેવાભાવી લોકો તથા સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓનો સેવાયજ્ઞ ચાલુ કરવામાં આવ્યો હતો, તે સેવાયજ્ઞ બીજા લોકડાઉન વખતે પણ અવિરત ચાલુ છે.

આ સેવાયજ્ઞમાં યંગ ઇન્ડિયા ગ્રુપ, જલારામ પ્રાર્થના મંદિર, યુવા આર્મી ગ્રુપ, માનવ સેવા ટ્રસ્ટ, જય અંબે ગ્રુપ, પાટીદાર અન્ન સહાય સમિતિ, જય ભવાની ગ્રુપ, જલારામ મિત્ર મંડળ સહિતની સેવાભાવી સંસ્થાઓ તથા પરોપકારી લોકો જરૂરિયાતમંદોને માસ્ક, રાશન સહીતની સહાય કરી કોરોના સામેની લડતમાં અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. તેમજ લોકડાઉનમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા પોલીસ, મેડિકલ સહિતના કર્મીઓને ચા-નાસ્તો, માસ્ક વગેરેનું વિતરણ કરી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના કોંગ્રેસ આગેવાનો મધ્યપ્રદેશના મજુરોની મદદે આવ્યા

માળીયા (મી.) : માળીયા(મી.) તાલુકાના વેણાસર તથા વાધરવા ગામે મધ્યપ્રદેશના ૫૦ જેટલા મજુરો ફસાયેલા હતા. જે બાબતે મધ્યપ્રદેશના ધારાસભ્ય પ્રતાપ ગ્રેવાલજી દ્વારા મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને માળીયા(મી.) તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર.કે.પારજીયાનો સંપર્ક કરવામા આવેલ હતો. જેની માહિતી મળતા અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા એ જાણ કરતા તુરંત જ માળીયા(મી.) તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી આર.કે.પારજીયા ફસાયેલા મજુરોની મદદે દોડી ગયા હતા. આર.કે.પારજીયા દ્વારા રૂબરૂ સ્થળ પર જઈ મજૂરોની જરૂરીયાત જાણી તેમને જરૂરીયાત મુજબ તે પરીવારોને ૧૦થી૧૨ દિવસ ચાલે તે મુજબ જીવન જરૂરીયાતની રાશન કીટ બનાવી જરૂરીયાતમંદ મજુરોને કીટ આપેલ તથા આ કામગીરી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, માળીયા(મી.) તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર.કે.પારજીયા, ખાખરેચી પૂર્વ ઊપસરપંચ દિનેશભાઈ પારજીયા, કુંભારીયા સરપંચ કાંતીલાલ દેત્રોજા જેવા કોંગ્રેસ આગેવાનોના સહયોગથી કામગીરી કરી મદદ કરી હતી.

મોરબીના ટેલરે માસ્ક બનાવી તેનું પોલીસ કર્મીઓને વિતરણ કર્યું

મોરબી : મોરબીના શનાળા રોડ પર ચંદ્રેશ નગરમાં રહેતા અને ભક્તિનગરમાં ભગવતી લેડીશ ટેલર નામની દુકાન ધરાવતા ભાવિકભાઈ ધામેચા દ્વારા લોકડાઉનના સમયમા ઘરે બેસીને સતત મહેનત કરી માસ્ક બનાવવામાં આવેલ હતા. આ માસ્ક મોરબી શહેરમાં રોડ પર સતત ખડેપગે રહી ફરજ બજાવનાર દરેક પોલીસ કર્મીઓને માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે. તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબોને પણ માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું.

મોરબીમાં પોલીસકર્મીઓને ઉકાળા વિતરણ કરાયું

મોરબી : નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર અને જીલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય એસ. એન. દવે, મોરબીનાં માર્ગદર્શન મુજબ ગત તા. 24/04/2020 ના રોજ મોરબીમાં ફરજ બજાવતાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને લાઈવ અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. અમૃતપેય ઉકાળો વૈદ્ય જીજ્ઞેશભાઈ બોરસાણિયાના માર્ગદર્શન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબીના સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતું. આ ઉકાળનો લાભ કુલ 570 લોકોએ લીધો હતો.

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોને ઉકાળા વિતરણ

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે નિયામક, આયુષની કચેરી તેમજ સરકારી આયુર્વેદ દવાખાનું-જનરલ હોસ્પિટલ-મોરબીના સૌજન્યથી વિનામુલ્યે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ થી વધુ લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મોરબી જિલ્લા પંચાયત હસ્તક આયુર્વેદ દવાખાના દ્વારા ઉકાળા વિતરણનો લાભ કુલ ૪૯,૪૪૬ લોકોએ લીધો છે.

ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો ગરીબ વિદ્યાર્થીઓ માટેનો સેવાયજ્ઞ

ટંકારા : ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોને વિકટ પરિસ્થિતિમાં પોતાની શાળામાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા થઈ આવી અને તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોએ સ્વૈચ્છિક ફાળો આપીને રાશનની 500 જેટલી કીટ તૈયાર કરી હતી અને પોતાની શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને તેમના ઘેર સુધી કીટ પહોંચાડવામાં આવી હતી. શિક્ષકોની આવી ઉમદા કામગીરીની જાણ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખને થતા તેઓ પણ ટંકારા આવ્યા હતા અને શિક્ષકોને આ સેવાયજ્ઞ બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. તેમજ પારેખ સાહેબે અને ટંકારા તાલુકા પ્રા. શિક્ષણાધિકારી દીપાબેન બોડાએ પણ આ ઉમદા કાર્યમાં યોગદાન આપ્યું હતું. શિક્ષકોના આવા ઉમદા કાર્ય બદલ વાલીઓએ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તમામ શિક્ષકો ને પણ આ સેવાયજ્ઞમાં સહભાગી થવા બદલ સંતોષ મળ્યો હતો.

- text

રવાપરમાં પૂર્વ સરપંચ દ્વારા ગરીબોને રાશન કીટનું વિતરણ કરાયું

મોરબી : મોરબી જીલ્લાના રવાપર ગામમાં ગ્રામ પંચાયત કચેરીના પૃવૅ સરપંચ, નિતિનભાઈ ભટાસણા, અન્ય સભ્યો તથા તલાટી કમ મંત્રી દ્વારા સમગ્ર રવાપર ગામે જીવન જરૂરિયાતની ખાદ્ય ચીજવસ્તુની 300 જેટલી રાશન કિટનુ વિતરણ બેરોજગાર ગરીબોને કરવામાં આવ્યુ હતું. આમ, પૂર્વ સરપંચ લોકડાઉનના કારણે રોજીરોટી બંધ હોય તેવા લોકોની વ્હારે આવ્યા હતા.

ભડિયાદમાં જયદીપ & કંપની દ્વારા ગરીબોને રાશન કીટનું વિતરણ કરાયું

મોરબી : ભડીયાદ ગામમાં જયદીપ & કંપનીના દિલુભા જાડેજા દ્વારા ગરીબોને જીવનજરૂરી રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ મામલતદાર દિગ્વિજયસિંહ જાડેજાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું. આમ, લોકડાઉનમાં કોઈ ભૂખ્યું ના રહે તે માટે જયદીપ & કંપની દ્વારા પછાત વિસ્તારમાં જઈ ગરીબ પરિવારોને રાશનની કિટ આપવામાં આવી હતી.

લજાઇ ચોકડી એસો. ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને નાસ્તા વિતરણ કરાયું

ટંકારા : ટંકારા તાલુકાના લજાઇ ગામે જયારે કોરોના વાઇરસને લીધે સમગ્ર વિસ્તારમાં લોકડાઉનની વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે લજાઇ ચોકડી એસો. ગ્રુપ દ્વારા વાડી વિસ્તાર અને આજુબાજુ આવેલા કારખાના હાલ બંધ હાલતમાં હોવાથી કામ કરતા મજૂરના બાળકો માટે બટુક ભોજન માટેના ગાંઠિયા-લાડવાનો નાસ્તો તૈયાર કરી વિતરણ કરાયું હતું. જેમાં કાનભાઈ ગેરેજવાળા, મનોજભાઈ ફાઇન મોબાઈલ, વિપુલભાઈ, ડી. ડી. પટેલ વગેરેએ મોટી જહેમત ઉઠાવી હતી.

રાજપર (કું.) ગ્રામ પંચાયત દ્વારા માસ્ક અને સાબુનું વિતરણ કરાયું

મોરબી : હાલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે સાવચેતીથી રાખવી છે. જેની તકેદારીના ભાગરૂપે રાજપર (કું.) ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ મનોજભાઈ પ્રાગજીભાઈ ધોરિયાની તથા તલાટી કમ મંત્રી ડિમ્પલબેન જાનીએ વ્યક્તિદીઠ માસ્કનું તથા ઘરદીઠ સાબુનું વિતરણ કર્યું હતું. તેમજ લોકોને તેના ઉપયોગ વિષે માર્ગદર્શન આપ્યું હતું.

માણાબા ગામમાં જય મોમાઈ મિશન મંગલમ જૂથની મહિલાઓ દ્વારા માસ્ક બનાવી પંચાયતને અપાયા

મોરબી : માણાબા ગામના સખી મંડળ જય મોમાઈ મિશન મંગલમ જૂથને ગ્રામ પંચાયત દ્વારા 1000 ફેસ માસ્ક બનાવવા માટેનો જણાવવામાં આવેલ હતું. જે અન્વયે સખી મંડળ દ્વારા માસ્ક બનાવીને માણાબા ગ્રામ પંચાયતના સરપંચ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ તથા તલાટી કમ મંત્રી વિશાલ ડાંગરને આપવામાં આવેલ છે. જે માસ્ક ગામલોકો તથા સફાઈ કામદારોને વિતરણ કરવામાં આવશે.

મોરબી : કૈલાશ ટ્રેડિંગ દ્વારા છાત્રાઓને શાકભાજી તથા પશુઓને ઘાસચારાની સેવા

મોરબી : મોરબીમાં આવેલ કૈલાશ ટ્રેડિંગના સુભાષભાઈ મણિરામભાઇ તોમર (ઉ.વ. 40) વિકાસ વિદ્યાલય સંસ્થામાં લોક-ડાઉનની પરિસ્થીતીમાં છાત્રાઓ માટે રોજ સવારે શાકભાજી આપી જાય છે. તેમજ સાથે–સાથે રખડતા ઢોરોને ઘાસચારો પણ નાખી જાય છે. આમ, તેઓ દ્વારા છાત્રાઓ અને અબોલ જીવોને સહાય કરવામાં આવે છે.

મોરબીના બંગાળી સમાજના અગ્રણીઓએ પોતાના સમાજના લોકોને રાશન કીટનું વિતરણ કર્યું

મોરબી : મોરબીમાં સોનીકામ કરતા અનેક બંગાળીઓ વસે છે. હાલમાં મોટા ભાગના ઉદ્યોગ-ધંધા બંધ હોવાથી તેઓની રોજીરોટી પણ બંધ છે. ત્યારે મોરબીના બંગાળી સમાજના અગ્રણીઓએ પોતાના સમાજના લોકોને નાતજાતના ભેદભાવ વિના જીવનજરૂરી રાશનની કીટનું વિતરણ કર્યું હતું. આમ, લોકડાઉન દરમિયાન કોઈ ભૂખ્યું ના રહે તે માટે બંગાળી સમાજ દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી સહીત વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા (મી.)માં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ પછાત વિસ્તારમાં તથા હોસ્પિટલોમાં જઈ જરૂરી સેવાઓ આપીને લોકડાઉન દરમિયાન પણ પોતાની નૈતિક ફરજ નિભાવી માનવતાને મહેકાવી હતી.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text