મોરબી જિલ્લામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ ગરીબોના વહારે આવી

- text


 

મોરબી : મોરબીમાં 21 દિવસના લોકડાઉન દરમિયાન લોકો કોરાના સામે રક્ષણ મેળવી શકે તેમજ રોજનું રોજ કમાઈને રળી ખાતા ગરીબો ભૂખ્યા ન રહે તે માટે જિલ્લામાં વિવિધ સંસ્થાઓ અને અસંખ્ય સેવાભાવીઓ દ્વારા સેવાયજ્ઞ શરૂ કરાયો છે. ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પછાત વિસ્તારમાં જઈ છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 200 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ આજે ઝૂંપડપટ્ટી વિસ્તાર અને એકલા રહેતા લોકોને 800થી વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં હજુ કુલ 3000 રાશન કીટોનું વિતરણ કરી લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદો ભૂખ્યા ના રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

જયારે મોરબીના પંચાસર ગામે આવેલ શિવનગર ગામના યુવાનોએ ગામના ગરોબો માટે સેવાયજ્ઞ હાથ ધર્યો હતો. જેમાં ઝુંપડાઓમાં રહેતા ગરીબો ભૂખ્યા ન રહે તે માટે શિવનગર ગામના લોકોએ ખાસ તેમના માટે ભાજી અને થેપલાંનું તંદુરસ્તયુક્ત આહાર બનાવ્યો હતો. બાદમાં શિવનગર ગામના યુવાનોએ ઝૂંપડામાં રહેતા 250 જેટલા ગરીબોને થેપલા અને ભાજી વિતરણ કરીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી. તેમજ મોરબીના સ્વસ્તિક ગ્રુપ દ્વારા ગરીબો માટે પુલાવ-ભાત તથા જલારામ મિત્ર મંડળ દ્વારા ગરીબોને ખીચડી-શાકનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા રુદ્રાજા એપાર્ટમેન્ટ્સ તથા સીતારામ હાઉસિંગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પુલ નીચે રહેતા, કેસરબાગ પાસે, બહાદુર વીલા પાસે તથા મુખ્યમંત્રી આવાસમાં રહેતા ગરીબોને એક માસ ચાલે તેટલી 100 રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરિયાતમંદ માણસો માટે કિરાણા કીટ ૧૦૦૦થી વધુ કિટ વિતરણનું આયોજન મહેન્દ્રનગર ગ્રામ પંચાયત તથા મહેન્દ્રનગરના ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે. વધુમાં, મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમ દ્વારા શ્રમજીવી પરિવારોને તથા આશ્રમના કર્મચારીઓને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જ્યારે મોરબીની નાગનાથ શેરીમાં નાગનાથ શેરી મીત્ર મંડળ દ્વારા કુલ ૧૧ વસ્તુ નાખી આયુર્વેદિક ઉકાળો બનાવી લોકો એકઠા ના થાય, તે રીતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વયમ્ સૈનિક દળ (SSD) ના સૈનિકો દ્વારા ગવર્મેન્ટ મેડિકલ ઓફિસરની પ્રેરણાથી હળવદના આંબેડકરનગર વિસ્તારમાં તથા ગામડાઓમાં ડોર ટુ ડોર કોરોના એન્ટીડોઝ (આસઁનિક-30) તથા માસ્ક વિતરણ કરવામા આવ્યું હતું. તેમજ લોકોને સરકારના નિયમોનુ પાલન કરવા અને વહીવટી તંત્રને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

તેમજ શ્રમિકો અને મજુરોને રોજગારીના અભાવમાં સહજાનંદ કન્સ્ટ્રકશન દ્વારા મજૂરોને શાકભાજી રાશન, લોટ, ચોખા, જેવો જરૂરી સામાનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જ્યારે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવ સેવા સર્વજ્ઞાતિય પ્રદાન કરવામા આવે છે. તેમાંની એક સેવા છે કુદરતી આફત સમય ની સેવા. ત્યારે હાલમાં કોરોનાની ગંભીર આફત વચ્ચે ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે સેવાયજ્ઞ હાથ ધરાયો છે અને કબીર આશ્રમ, ભળીયાદ, લીલાપર, નવલખી ફાટક, રોકડીયા હનુમાન સહીતના વિસ્તારોમા ખિચડી, શાક, પુરી, ગાંઠીયા સહીતની વાનગીઓ ના ૨૦૦૦ થી વધુ ફુડ પેકેટનુ વિતરણ કરાયું હતું. રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ એ જણાવ્યુ છે કે જ્યા સુધી લોક ડાઉનની પરિસ્થિતી રહેશે ત્યાં સુધી ફુડ પેકેટનુ વિતરણ કરવામા આવશે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી સહીત વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા (મી.)ના સેવાભાવી લોકો તથા સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને, રસ્તે ચાલીને વતને પરત ફરતા શ્રમિકોને તથા દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓને ભોજન સહિતની સેવાના ઉમદા કાર્યો કરીને કોરોનાના લીધે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં માનવતા મહેકાવી હતી.

- text