મોરબી જિલ્લામાં પ્રેસ કાર્ડ વેચીને પૈસા ખંખેરતા લેભાગુ તત્વો સામે કાર્યવાહીનો નિર્દેશ આપતા એસપી

- text


પ્રેસ કાર્ડ રાખીને ટ્રાફિકના દંડથી કે ટોલ ટેક્સથી બચી શકાતું નથી, લોકોને લેભાગુ તત્વોની વાતોમાં ન ભરમાવા જિલ્લા પોલીસ વડાની અપીલ : જો કોઈ પ્રેસ કાર્ડ વેંચતા હોય તો તેની ફરિયાદ કરવા અનુરોધ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પ્રેસ કાર્ડનો બેફામ વેપલો ચાલી રહ્યો છે. લેભાગુ તત્વો લોકોને ભરમાવીને રૂ. એક હજારથી લઈને દસ હજાર સુધીમાં પ્રેસકાર્ડ વેચી રહ્યા છે. ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. અને જો આવો કોઈ બનાવ સામે આવે તો પોલીસ ફરિયાદ નોંધાવવા તેઓએ જાહેર અપીલ કરી છે.

મોરબીમાં હાલ ઠેક ઠેકાણે વાહનો ઉપર પ્રેસ લખાયેલું જોવા મળી રહ્યું છે. બાઈકથી લઈને ટ્રક સુધીના વાહનોમાં પ્રેસના સ્ટીકર લગાવેલા જોવા મળે છે. જેની પાછળ હકકિતમાં લેભાગુ તત્વોની મેલી મુરાદ કામ કરી રહી છે. ઘણા દૈનિક, સાપ્તાહિક, પખવાડીક કે માસિક પત્રિકા ધરાવતા તેમજ તેની સાથે સંકળાયેલા લેભાગુ તત્વો લોકોને ભરમાવીને ફોસલાવીને પ્રેસ કાર્ડ રાખવાથી પોલીસ દંડ ન ફટકારે તેમજ ટોલ પણ ન ભરવો પડે તેવી પટ્ટી પઢાવીને પૈસા ખંખેરીને પ્રેસકાર્ડ વેચે છે. હકીકતમાં પ્રેસ કાર્ડ માત્ર જે તે મીડિયા હાઉસના કર્મચારીનું ઓળખ પત્ર હોય છે. પરંતુ લેભાગુ તત્વો લોકોને આ કાર્ડ રૂ. 1 હજારથી લઈને રૂ. 10 હજારમાં વેચે છે.

- text

હાલ મોરબી જિલ્લામાં કારખાનામાં કામ કરતા કર્મચારીથી માંડીને વિવિધ ક્ષેત્રે જોડાયેલા કર્મચારીઓ પ્રેસ કાર્ડ ધરાવે છે. એક વાત એવી પણ પ્રકાશમાં આવી છે. કે કોઈ ચોક્કસ ક્ષેત્રના કર્મચારીના એસોસિએશનની મીટિંગ મળી હતી. જેમાં રૂ. 6 હજાર લેખે પ્રેસકાર્ડ વેચવામાં આવ્યા હતા. ખરેખર પ્રેસકાર્ડ ટોલ પ્લાઝામાં કે પોલીસના દંડથી બચવામાં ચાલતા નથી. માટે લોકોએ આવા લેભાગુ તત્વોની વાતમાં આવીને છેતરાવું જોઈએ નહીં. પ્રેસકાર્ડ પૈસાથી ખરીદવા પણ ગુનો બને છે. જેથી આ અંગે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. જો કે આ મામલે જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ હરકતમાં આવીને જણાવ્યું છે કે પ્રેસકાર્ડ હોવાથી ટ્રાફીકના દંડ કે ટોલ ટેક્સથી બચી શકાતું નથી. કાયદા તમામ લોકો માટે સરખા જ છે. પ્રેસકાર્ડ વેંચતા આવા લેભાગુ તત્વો સામે લોકો ફરિયાદ દાખલ કરે. જેથી પોલીસ તેઓની સામે કાર્યવાહી હાથ ધરશે.

- text