મોટી બરાર પ્રાથમિક શાળાના શિક્ષક અનિલ બદ્રકિયાને નેશનલ એવોર્ડ અર્પણ

- text


માળિયા (મી.) : માળિયા (મી.) તાલુકાના નાના દહિંસરા ગામના વતની અને રત્નમણિ પ્રાથમિક શાળા – મોટીબરારમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનિલભાઈ બદ્રકિયાને મહર્ષિ અરવિંદો સોસાયટી (ZIIEI) આયોજિત શિક્ષણમાં શૂન્ય નિવેશ નવાચાર અંતર્ગત અપતા નેશનલ કક્ષાના એવોર્ડથી આઈ.આઈ.ટી. દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે.

અનિલભાઈ પોતાની શાળામાં હમેશા અવનવા નવતર પ્રયોગો કરતા રહે છે. તેમણે GCERT ગાંધીનગર અને DIET રાજકોટ આયોજિત મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં કરેલા નવતર પ્રયોગો રજૂ કર્યા છે. જેમાંથી બે વખત તેમના નવતર પ્રયોગોની રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પણ પસંદગી થઈ ચૂકી છે ત્યારે હવે તેમણે શાળામાં કરેલ એક નવતર પ્રયોગ “મારુ પેપર, મારી પરીક્ષા” રાજ્યની સીમાઓ પાર કરીને નેશનલ કક્ષા સુધી પહોચી ગયો હતો અને તે થકી નેશનલ કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત કરવાનું સન્માન મેળવ્યુ છે.

- text

નેશનલ કક્ષાએ મહર્ષિ અરવિંદો સોસાયટી દિલ્હી (ZIIEI) દ્વારા દેશભરમાથી શિક્ષકોએ કરેલા નવતર પ્રયોગોની નોંધ લઈ, આવા ઇનોવેટિવ શિક્ષકોને પ્રોત્સાહન રૂપે તેને એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી આવા 24 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયાનો સમાવેશ થયો હતો. તારીખ 1 માર્ચના રોજ દિલ્હી ખાતે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના મંત્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ના વરદ હસ્તે તેમને આઈ.આઈ.ટી. દિલ્હી ખાતે બેસ્ટ ઈનોવેટિવ શિક્ષક તરીકેનો નેશનલ એવોર્ડ એનાયત કરી, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર મોરબી જિલ્લા માટે તેમજ શિક્ષક સમાજ માટેની ગૌરવપૂર્ણ બાબત છે.

- text