હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રાજ્યકક્ષાનો ટેકનોફેર કાર્યક્રમ યોજાયો

- text


જે બાળક દિવાળી દરમ્યાન રોકેટ ઉડાડી શકે તે દેશ માટે પણ રોકેટ ઉડાડી શકે : ઈસરો વૈજ્ઞાનિક જયંતભાઈ જોષી

​હળવદ : હળવદ શહેરમાં આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે ડૉ. સી. વી. રામન સાયન્સ & ટેકનોલોજી ફાઉન્ડેશન આયોજિત ગુજરાત રાજ્યનો ચોથો સાયન્સ ટેકનોફેર યોજાયો હતો. આ સમારંભના ચીફ ગેસ્ટ તરીકે ભારતના નામાંકિત ખગોળશાસ્ત્રી અને હળવદની ધીંગી ધરાના જ પનોતા પુત્ર ડૉ. જે. જે. રાવલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતના ૨૨ જીલ્લામાંથી વિદ્યાર્થીઓએ સાયન્સ, ટેકનોલોજી, એન્જીનીઅરીંગ અને મેથ્સના પ્રયોગો STEM થીમ પર રજૂ કર્યા હતા. આ તકે ઈસરોના વૈજ્ઞાનિકને રમન સાયન્સ ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતમાંથી વિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચાડનાર ઈસરોના વૈજ્ઞાનિક જયંતભાઈ જોષીને વિક્રમ સારાભાઇ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમ્યાન ઈસરોના વૈજ્ઞાનિકે હળવી શૈલીમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવ્યું હતું કે જે બાળક દિવાળી દરમ્યાન ફટાકડા ફોડતી વખતે રોકેટ ઉડાડી શકે છે, તે કોઈપણ બાળક મોટા થઈને દેશ માટે પણ રોકેટ ઉડાડી શકે છે. સમારંભના અધ્યક્ષ ડૉ. જે. જે. રાવલે મંગળયાન અને ચંદ્રયાન પ્રોજેક્ટ માટે ભારતની પ્રખ્યાત સંસ્થા ઈસરોના કાર્યોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ રજૂ કરેલ પ્રોજેક્ટને નિહાળવા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text

ધારાસભ્ય સાબરીયાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પોતે કોલેજમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો નથી પણ આજેય કોઈપણ હાઈડ્રોલીકમાં ટેકનિકલ ખામી હોય તો દૂર કરી શકે તેવું પ્રેક્ટિકલ જ્ઞાન ધરાવે છે. વિદ્યાર્થી પાસે તો સ્કુલ-કોલેજ, અટલ ટીંકરીંગ લેબમાં થીઅરી અને પ્રેક્ટિકલ બંને ભણવાનો મોકો છે, તે ઉપાડશે તો જીવનમાં ખુબ આગળ વધી શકશે.

શાળાના મેનેજીંગ ડીરેક્ટર ડૉ. મહેશભાઈ પટેલ એ આગંતુક બાવીસ જીલ્લાના પ્રોજેક્ટ કન્વીનરનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. રમન સાયન્સ ટેકનોલોજી ફાઉન્ડેશનના ચંદ્રમૌલી જોષી અને તક્ષશિલા કોલેજના ડીન ડૉ. અલ્પેશભાઈ સિણોજીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરણા મળે, તે માટે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતના પનોતા પુત્રી મુક્તાબેન ડગલી અને સૂર્યપ્રકાશ જયસ્વાલનું મોમેન્ટો આપીને શાળાના સંચાલક રમેશભાઈ કૈલા અને પ્રમુખ ડાયાભાઇ ગરધરિયાએ સન્માન કર્યું હતું.

વધુમાં, વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ સાથે NIOS માંથી પણ ધો. દસ અને બારની પરિક્ષા સહેલાઈથી અને અનુકૂળ સમયે પરીક્ષાની તારીખ અને વિષયો પસંદ કરી શકે, તેના માર્ગદર્શન માટે દિલ્હીના શિક્ષણવિદ અને NIOS ના રીજીઓનલ ડાયરેક્ટરે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. શાળાના આચાર્ય રોહિતભાઈ સિણોજીયાએ સૌ મહેમાનોની આભારવિધિ કરી હતી.

- text