પોલીસ ફરજમાં દબંગ અને કડક અધિકારી સ્ટેજ પરથી લલકારે છે પ્રાચીન ભજનોના સુરીલા રાગ

- text


મોરબી બી ડિવિઝન પી.આઈને પ્રાચીન ભજનો ગાવાનો અદમ્ય શોખ : મોટા ગજાના કલાકારો સાથે અને 15 વર્ષથી પ્રાચીન ભજનો ગાતા આ અનોખો કલાના કસબી

મોરબી : દરેક માણસની ફરજ નિષ્ઠા અને શોખ અલગ હોય છે. માણસ ગમે તેવા ઉંચા દરજ્જે હોય છતાં એ પોતાના શોખને ભૂલતો નથી. કારણ કે શોખને જીવંત રાખવાથી તેને પરમ આનંદ મળે છે. ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈને પ્રાચીન ભજનો ગાવાનો અદમ્ય શોખ છે. જો કે તેઓ પોલીસ અધિકારી તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. પણ ફુરસદ મળે ત્યારે પ્રાચીન ભજનો ગાવાનું ચૂકતા નથી. તેઓ 15 વર્ષથી પ્રાચીન ભજનો ગાય છે અને અત્યાર સુધીમાં અનેક મોટા ગજાના ભજનિક કલાકારો સાથે તેમણે ભજનો ગાયા છે.

મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પી.આઈ તરીકે ફરજ બજાવતા અને મૂળ હળવદ તાલુકાના ચાણોધરા ગામના વતની પ્રવીણદાન ગઢવી પોલીસ અધિકારી તરીકે ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાની સાથે એક સારા ભજનિક કલાકાર પણ છે. પોલીસ ફરજમાં દબંગ અને આ કડક અધિકારીની છાપ ધરાવતા આ પી.આઈ. પી.બી.ગઢવી સ્ટેજ પરથી પ્રાચીન ભજનોના સુરીલા રાગ લલકારે છે. તેઓ 12 વર્ષથી પોલીસ સેવામાં જોડાયેલા છે. જો કે તે પહેલાથી તેઓ પ્રાચીન ભજન ગાય છે. એટલે કે છેલ્લા 15 વર્ષથી ફુરસદ અથવા રજાના દિવસોમાં સ્ટેજ પરથી પ્રાચીન ભજનો લલકારે છે. ભજન ગાવાનો તેમને અદભુત શોખ છે.

- text

તાજેતરમાં પણ ફુરસદ મળતા તેઓએ મહેન્દ્રનગર નજીક રામધન આશ્રમ ખાતે ચાલતી શિવકથા દરમિયાન સ્ટેજ પરથી ભગવાન શિવનું પ્રાચીન ભજન ગાયને સૌને શિવ ભક્તિમાં તરબોળ કરી દીધા હતા. તેઓ કહે છે કે ભજન ગાવું એ એક પ્રકારની ઈશ્વરની આરાધના જ છે. આપણી સંસ્કૃતિમાં ભજનથી આધ્યાત્મિક વૃત્તિ કેળવાઈ છે. ભજન ગાવાથી અંતર આત્માને અલોકીક આનંદ મળે છે.તેમણે ગુજરાતના મોટાંગજાના તમામ નામાંકિત કલાકારો સાથે ભજનો ગાયા છે.

- text