શું સાચા અર્થમાં ગણતંત્ર દિવસની ઉજવણીનો હેતુ સાર્થક થતો જણાય છે?

- text


( જાગૃતિ તન્ના “જાનકી” )

15 ઓગસ્ટના રોજ મળી સ્વતંત્રતા
તો આજ રોજ મળી હતી ગણતંત્રતા
બંને જેમના થકી મળી તેમના ઋણી રહીશું સદા
કોઈપણ હોય ધર્મ આજે તો ભારતવાસી બધા

સૌપ્રથમ તો આજે 71મા ગણતંત્ર દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ….જયહિંદ ???????????????? જયભારત

સ્વતંત્રતા દરેકને સૌથી વધુ પ્રિય હોય છે, પછી તે મનુષ્ય હોય, પ્રાણી હોય કે પક્ષી. આપણે જીવનમાં ઘણું બધું મેળવવા ઈચ્છતા હોઈએ છીએ પણ સ્વતંત્રતાના ભોગે ક્યારેય નહીં, સાચું ને? માટે જ તો અનેક મુશ્કેલીઓ છતાં અથાગ પ્રયત્નો દ્વારા આખરે આપણો ભારત દેશ લગભગ બે સદીની બ્રિટિશોની ગુલામીમાંથી સ્વતંત્રતા મેળવવામાં સફળ થયો. અને 15 ઓગસ્ટ, 1947નો એ દિવસ ભારતના ઈતિહાસમાં અમર બની ગયો સ્વતંત્રતા દિવસ તરીકે.

પણ જેમ કે આપણે જાણીએ છીએ કે આ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે એક બહુ પાતળી ભેદ રેખા હોય છે અને એ ભેદ રેખાને જાળવી રાખવા માટે જરૂર જણાઈ ચોક્કસ નીતિનિયમોના ઘડતરની. એક એવા બંધારણની જે સમગ્ર સ્વતંત્ર ભારત દેશને એક સૂત્રમાં બાંધી શકે. કેમ કે,  જો ચોક્કસ નીતિનિયમો ન હોય તો સ્વતંત્રતાને સ્વચ્છંદતાનું સ્વરૂપ ધારણ કરતા વધુ સમય ન લાગે. નિશ્ચિત વ્યક્તિઓની સંખ્યા ધરાવતી કોઈ સ્કુલ, ઓફિસ, સંસ્થામાં પણ જો ચોક્કસ નીતિનિયમો ઘડવાની જરૂર પડતી હોય તો વિભિન્ન સંપ્રદાયના અનેક વ્યક્તિઓની વસ્તી ધરાવતા ભારત દેશના સુચારુ સંચાલન માટે બંધારણ એ મહત્વની જરૂરીયાત ગણાય, માટે જ જે દિવસે સ્વતંત્ર અખંડ ભારતનું પોતાનું આગવું બંધારણ અમલમાં આવ્યું તે દિવસ એટલે કે 26 જાન્યુઆરી, 1950નું મહત્વ પણ 15 ઓગસ્ટ, 1947 – સ્વતંત્રતા દિવસ કરતા ઓછું નથી. જો 15 મી ઓગસ્ટે ભારતે સ્વતંત્રતા મેળવી છે, તો 26 મી જાન્યુઆરીએ ભારતની એ સ્વતંત્રતાને અકબંધ રાખતી એકસૂત્રતા બક્ષી છે.

બંધારણના ઘડતર માટે એક બંધારણ સમિતિની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ ડૉ. બી. આર. આંબેડકર હતા અને પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા. આમ, બંધારણ સભાના કુલ 389 સભ્યો દ્વારા બંધારણના ઘડતરનું કાર્ય 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ ચાલ્યું. ભારતના બંધારણમાં કુલ 12 પરિશિષ્ટો અને 446 અનુચ્છેદ છે. તે બંધારણને અપનાવીને એક સાર્વભૌમ, લોકશાહી, ગણતંત્રની ઘોષણા 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવી. આમ, ભારત દેશનું શાસન એ લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન બન્યું. ભારત ખરા અર્થમાં પ્રજાની સત્તાવાળું, પ્રજાના વહીવટવાળું એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો.
આખરે દેશની આઝાદી માટે પોતાના પ્રણોની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું. તેથી, 26 મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ તરીકે માનભેર ઉજવાય છે.

- text

છેલ્લા 70 વર્ષથી આખા દેશમાં પ્રજાસત્તાક દિન ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને રાજધાની નવી દિલ્હીમાં એક આગવી શૈલીમાં ઉજવણી કરવામાં આવે છે. આજે 26 જાન્યુઆરી 2020 ના રોજ 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે. એ આપણા સૌ માટે ખુશી અને ગર્વની વાત તો છે જ, પણ સાથે આજે આપણો ભારત દેશ બેરોજગારી, ગરીબી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, લાંચરૂશ્વત, છેતરપીંડી, બળાત્કાર, હિંસા, પ્રદૂષણ જેવા અનેક દૂષણોથી ઘેરાયેલો છે એ ચિંતાનો વિષય છે. આજે આપણે ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે જે હેતુસર ઉજવણી કરવામાં આવે છે તેના પર આજે પ્રશ્નાર્થ મૂકાતો જણાય છે. દેશની સ્વતંત્રતા ને સ્વચ્છંદતા માં પરિવર્તિત થતી અટકાવવા માટે લોકશાહી બંધારણ અમલમાં આવ્યું, છતાં આજે સ્વચ્છંદતાના કારણે ભારતમાં અનેક દૂષણો પ્રવર્તે છે. દરેક વ્યકિત આ દૂષણોથી છૂટકારો ઈચ્છે છે પણ પ્રયત્નોના નામ પર અહીં શૂન્ય દેખાય છે. કદાચ આપણે એ વાત ભૂલી ગયા છીએ કે આજે આપણે પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. આપણો ભારત દેશ પ્રજાસત્તાક દેશ છે. જો ભારત દેશની દરેકે દરેક વ્યકિત નીતિમત્તા અને પ્રામાણિકતાના બંધારણને અપનાવીને ધારે તો આ બધા દૂષણોને જડમૂળમાંથી ઉખાડી શકાય છે, પણ મારે શું? અને મારા એકલાના બદલાવથી શું થશે? એવા વિચારોથી તો માત્ર દેશની કથળતી સ્થિતિના દર્શક જ બની શકાય એક સ્વસ્થ ભારતના સર્જક નહીં. આજે ગણતંત્રતા દિવસ પર જો ભારત માતાનો દરેક બાળ સંકલ્પ કરે સ્વ બદલાવનો તો આવનાર ગણતંત્ર દિવસ પર દેશમાં હકારાત્મક બદલાવ અચૂક જોઈ શકાય. સોચ બદલો, દેશ બદલો. બાકી જો વિકલ્પ જ શોધતા રહીશું તો…..

– જાગૃતિ તન્ના “જાનકી”

- text