મોરબીના નવા ડેલા રોડ અને તખ્તસિહજી રોડ પર ઉભરાતી ગટરની ગંદકીથી વેપારીઓ ત્રસ્ત

- text


આ બન્ને રોડ ઉપર ભૂગર્ભ ગટરના ઢાંકણાં અંદર બેસી જતા ગટરની ગંદકી ઉભરાઈ : અનેક રજુઆતો છતાં તંત્ર ધ્યાન ન આપતા વેપારીઓમાં રોષ

મોરબી : મોરબી શહેરમાં આવેલા તખ્તસિહજી રોડ અને નવા ડેલા રોડ ઉપર તંત્રની ઘોર બેદરકારીના કારણે ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. આ માર્ગો પર ભૂગર્ભ ગટરની કુંડીના ઢાંકણા બેસી જવાથી ભારે ગટર ઉભરાઈ રહી છે. આ ગટરની ગંદકીના કારણે સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકો તથા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે અનેક રજુઆતો છતાં તંત્ર ધ્યાન ન આપતા વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે.

મોરબી શહેરમાં આવેલ નવા ડેલા રોડ અને તખ્તસિહજી રોડ ઉપર મોટા પ્રમાણમાં વાહનોનો ઘસારો રહે છે. જો કે શહેરના મુખ્ય પરિહવન માટેના આ બન્ને માર્ગો હોવાથી મોટા પ્રમાણમાં અહીંથી વાહનો અવરજવર થાય છે. તેથી, કાયમ આ બન્ને માર્ગો ટ્રાફિકથી સતત ભરચક રહે છે. આ ઉપરાંત, આ બન્ને માર્ગો કોમર્શિયલ ઝોન વિસ્તાર હોવાથી બન્ને માર્ગો પર અનેક કતારબંધ દુકાનો આવેલી છે. ત્યારે આ બન્ને માર્ગોને ઘણા સમયથી તંત્રની બેદરકારીના કારણે ગટર ઉભરાવવાની સમસ્યાનું ગ્રહણ લાગ્યું છે. જેમાં નવા ડેલા રોડ અને તખ્તસિહજી રોડ ઉપર ભૂગર્ભ ગટરના ઢાંકણાં તૂટી ગયા કે બેસી ગયા હોવાથી ભયંકર રીતે ગટરની ગંદકી ઉભરાઈ છે અને રોડ ઉપર ગટરની ગંદકી નદીના વહેણની જેમ ફરી વળતી હોવાથી આ માર્ગો પર ઠેરઠેર ગંદકીના સરોવર ભરાઈ છે.

- text

છેલ્લા ઘણા સમયથી આ બન્ને રોડ ઉપર ભૂગર્ભ ગટરની ગંદકી ઉભરાઈ રહી છે. તેથી, સ્થાનિક વેપારીઓ અને રસ્તે પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાથી વેપારીઓના રોજિંદા વેપાર ધંધા પર માઠી અસર સર્જાઈ છે. રોડની વચ્ચોવચ આ ગંભીર સ્થિતિ સર્જાઈ હોવા છતાં તંત્રએ ધ્યાન આપ્યું નથી. જો કે તંત્ર રજુઆત પણ યોગ્ય રીતે સાંભળતું ન હોવાનો વેપારીઓએ બળાપો ઠાલવ્યો છે. ગટરનું ઢાંકણું અંદર બેસી ગયું હોય અને એની વાહન ચાલકને ખબર ન હોય ત્યારે વાહન ચાલકો ઉપર અકસ્માત થવાનું મોટું જોખમ રહે છે. આથી, તંત્ર વહેલાસર આ ગંભીર સમસ્યાનો હલ કરે તેવી માંગ ઉઠી છે.

- text