“તુમ મુજે ખુન દો મેં તુમ્હે આઝાદી દુંગા”, માત્ર એક સૂત્ર નહીં પણ જિંદગીનો સાર

- text


(જાગૃતિ તન્ના “જાનકી”)

આજની આપણી આ સ્વતંત્ર જિંદગીઓ આભારી છે, ભારતને સ્વતંત્ર બનાવવા પાછળ રહેલ દરેકે દરેક સ્વાતંત્ર્ય સેનાનીને. સૌપ્રથમ તો એમને દરેકને હ્રદયપૂર્વક શત શત નમન.

આજનો દિવસ 23 જાન્યુઆરી એટલે ભારતની સ્વતંત્રતા પાછળ જેમનો નોંધપાત્ર ફાળો રહેલો છે અને જેમનું નામ ભારતના ઈતિહાસમાં અમર હતુ, છે અને હંમેશા રહેશે. એવા આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ. તેમનો જન્મ 23 જાન્યુઆરી, 1897 ના રોજ થયેલો, આજે 23 જાન્યુઆરી 2020 ના રોજ તેમની 123મી જન્મજયંતિ ઊજવાઈ રહી છે. તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો સામે લડત આપવા માટે આઝાદ હિંદ ફોજની રચના કરેલી. તેમણે આપેલું “જય હિંદ” નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે.

- text

નેતાજીનું બીજું એક સુત્ર “તુમ મુજે ખુન દો મેં તુમ્હે આઝાદી દુંગા ” એ સુત્રથી આપણે દરેક પરિચિત છીએ. તેમનું આ સુત્ર ખૂબ પ્રખ્યાત છે. તેમણે અંગ્રેજો સામે લડત માટે ભારતવાસીઓને સંબોધીને આ સૂત્ર ઉચ્ચારેલું, પણ એ સુત્રના સારમાં કદાચ આખી જિંદગીનો સાર રહેલો છે. આ જિંદગીમાં કંઈક મેળવવા માટે પહેલા કંઈક આપવું પડતું હોય છે.

આપણી જિંદગીઓમાં આપણે ઘણું બધું મેળવવા ઈચ્છતા હોઈએ છીએ. ટૂંકમાં, જિંદગી એટલે માણસની જન્મથી લઈને મૃત્યુ સુધીની અનંત આકાંક્ષાઓ, ઈચ્છાઓ, સપનાઓની પૂર્તિની સફર. ત્યારે આપણી આ જિંદગીની સફરમાં નેતાજીના સુત્રનો સાર એકદમ બંધ બેસતો લાગે, કેમ કે ઘણી વખત આપણે જિંદગીમાં કંઈક મેળવવા ઈચ્છતા હોઈએ છીએ, તે બાબતે વિચારતા હોઈએ પણ તે વિચારોને કોઈ કારણસર અમલમાં નથી મૂકી શકતા હોતા, ત્યારે આપણે જે મેળવવું હોય છે એ મેળવી નથી શકતા હોતા અને નિરાશ થઈ જતા હોઈએ છીએ. પણ ત્યારે આપણે એ બાબત ભૂલી જતા હોઈએ છીએ કે કંઈક મેળવવા માટે કંઈક આપવું પડતું હોય છે. જો તમારે કોઈ કાર્યમાં સફળતા મેળવવી હોય તો પહેલા તે કાર્ય માટે જરૂરી મહેનત, પ્રયત્નો કરવા પડતા હોય છે.

માટે હંમેશા નેતાજીના આ સુત્રના સારને જિંદગીમાં યાદ રાખીએ અને પ્રયત્નો કરતા રહીએ સફળતા અચૂક મળશે. પેલું કહેવાય છે ને કે, first deserve then desire.

– જાગૃતિ તન્ના “જાનકી”

- text