10મીથી ત્રિદિવસીય મોરબી યુવા જ્ઞાનોત્સવનો ભવ્ય પ્રારંભ : શું છે આ વખતે ખાસ જ્ઞાનોત્સવમાં?

- text


જ્ઞાનોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાના નામી તજજ્ઞો- વક્તાઓ અદભુત જ્ઞાનવાણી વહાવશે : 30 ટકા ડિસ્કાઉન્ટ સાથે ભવ્ય પુસ્તક મેળો યોજાશે : વાનગી સ્પર્ધા, વિવિધ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિસરાતી જતી શેરી રમતોને જીવંત કરવા ફન સ્ટ્રીટ જેવા કાર્યક્રમો યોજાશે : ઠંડીના વાતાવરણને ધ્યાને લઇ આ વર્ષે 5 હજાર લોકો બેસી શકે તેવા વિશાળકાય ડોમની વ્યવસ્થા કરાઈ

મોરબી : ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદિઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચિત આ કાવ્ય પંકિત યુવાનોમાં રહેલી અદભુત શક્તિઓનો પરિચય કરાવે છે. યુવાનો જ દેશ અને સમાજની સૌથી મોટી ધરોહર હોય છે અને યુવાનોમાં એવી શક્તિ પડી હોય છે કે યુવાનોમાં રહેલી શક્તિઓનો દેશ અને સમાજના હિતમાં ઉપયોગ થાય અને વૈચારિક ક્રાંતિ આવે તેમજ યુવાનોમાં જ્ઞાન વધે તેવા આશયથી મોરબીમાં દર વર્ષે યુવા જ્ઞાન ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આગામી તા. 10 જાન્યુઆરીથી ત્રીદિવસીય યુવા જ્ઞાનોત્સવ યોજાવાનો છે.

મોરબીના શનાળા ગામ નજીક આવેલ પટેલ સમાજ વાડી ખાતે આગામી તા.10, 11, 12 જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી યુવા જ્ઞાનોત્સવ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્ય કાર્યક્રમનું ઉદ્દઘાટન પોતાના જીવને જોખમમાં મૂકીને આગ બુઝાવાનું કામ કરતા ફાયરબ્રિગેડના જવાનોના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ સેશનનું ઉદ્દઘાટન 108ની ટિમ સહિતના વિવિધ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપનારા લોકો દ્વારા કરવામાં આવશે. જો કે નોંધનીય બાબત એ છે કે મોરબી યુવા જ્ઞાનોત્સવના દરેક સેશન તમામ લોકો માટે ઓપન અને તદ્દન વિનામૂલ્યે છે. તેથી, રજિસ્ટ્રેશન કરાવવાની કે કોઈ પાસની જરૂરિયાત નથી. તેમજ આ વર્ષે ઠંડીના માહોલને ધ્યાને લઇ યુવા જ્ઞાનોત્સવના તમામ સેશન 5 હજાર માણસો એકસાથે બેસી શકે તેવા વિશાળકાય ડોમ અંદર કરવામાં આવશે. જેથી પરિવાર સાથે આવતા લોકોને ઠંડીની અસર ન થાય. જ્યારે મોરબી સિરામિક એસો., ક્લોક એન્ડ પાર્ટ્સ મેન્યુફેકર્સ એસો., સહિતની અગ્રણી સંસ્થા અને કંપનીઓ તેમજ ઉદ્યોગકારો, આગેવાનો અને મોરબીની અગ્રણી શાળા અને કોલેજ સંસ્થાઓનો જ્ઞાનોત્સવના આયોજનમાં સહયોગ પ્રાપ્ત થયો છે. સ્થળના દાતા પટેલ સેવા ટ્રસ્ટ – શકત શનાળા છે. જ્યારે આ સમગ્ર કાર્યક્રમના મીડિયા પાર્ટનર ચિત્રલેખા છે.

ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પૂ.જ્ઞાનવત્સલ સ્વામી, જે.ડી. મજેઠીયા, સવજીભાઈ ધોળકીયા, ઉત્સવ પરમાર, જય વસાવડા, જયસુખભાઈ પટેલ, સંજય રાવલ, કાજલ ઓઝા વૈદ્ય અને રિઝવાન આડતીયાનુ વક્તવ્ય યોજાશે. જ્ઞાનોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાના નામી તજજ્ઞો-વક્તાઓ અદભુત જ્ઞાનવાણીની સાથે 30 ટકા ડિસ્કાઉન્ટ સાથે ભવ્ય પુસ્તક મેળો યોજાશે. વાનગી સ્પર્ધા, વિવિધ પ્રદર્શન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિસરાતી જતી શેરી રમતોને જીવંત કરવા ફન સ્ટ્રીટ જેવા કાર્યક્રમો પણ યોજાશે. જ્યારે 30 ટકા ડિસ્કાઉન્ટ સાથેનો ભવ્ય પુસ્તક મેળાનો સમય દરરોજ સવારે 9.00 થી રાત્રીના 9.30 કલાક સુધી રાખ્યો છે. વધુમાં અગાઉ જે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 1 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેના ત્રણ કેટેગરીમાં ઇનામ વિતરણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે. મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક લોકોને મિત્રો, પરિવાર સાથે મોરબી યુવા જ્ઞાનોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. આ યુવા જ્ઞાનોત્સવને સફળ બનાવવા માટે યુવા જ્ઞાનોત્સવ સમિતિ અને યંગ ઇન્ડિયા ગ્રુપના 150થી વધુ સ્વયંસેવકો છેલ્લા 4 મહિનાથી જહેમત ઉઠાવી રહ્યા છે વધુ વિગત માટે મો.નં. 9537676276 ઉપર વોટ્સએપ કરવાથી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા મેળવી શકાશે.

મોરબી યુવા જ્ઞાનોત્સવ – 2020 અંતર્ગતધ ગ્રાન્ડ મોમ્સ હોટલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં યુવા જ્ઞાનોત્સવ સમિતિ વતી દિનેશભાઇ વડસોલા, ક્લોક એસોસિયેશન પ્રમુખ શશાંકભાઈ દંગી, સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નિલેશભાઈ જેતપરીયા તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા વિંગના કાજલબેન ચંડીભમ્મર, ધરતીબેન બરાસરા આ ઉપરાંત જ્ઞાનોત્સવના સ્થળના દાતા પટેલ સમાજ વાડીના પ્રમુખ નરભેરામભાઈ શિરવી તથા પુસ્તક પરબ ટીમના ઘનશ્યામભાઈ ડાંગરએ ઉપસ્થિત રહી મોરબી યુવા જ્ઞાનોત્સવ 2020ની સવિસ્તાર માહિતી આપી હતી. અને આ જ્ઞાનોત્સવનો સહપરિવાર લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ત્રિ દિવસિય કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા

પ્રથમ સેશન તા. 10 જાન્યુઆરીને શુક્રવાર (સાંજે) 6.00 થી 6.30 વાગ્યા દરમિયાન ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ ગરીમાંસભર ઉદ્ઘાટન સમારોહ યોજાશે બાદમાં સાંજે 6.30 થી 7.30 દરમિયાન જાણીતા વક્તા અને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલનું ડર કે આગે જીત હૈ એ વિષય પર વક્તવ્ય યોજાશે.આ સેશનમાં સાંજે 7.30 થી 7.45 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે 7.45 થી 9.00 વાગ્યા દરમિયાન જાણીતા વક્તા અને લેખક કાજલ ઓઝા વૈદ્ય ‘સામાજિક સુરક્ષા : જવાબદાર કોણ?’એ વિષય પર ચોટદાર વક્તવ્ય આપશે.

- text

બીજા સેશનમાં તા. 11 જાન્યુઆરીને શનિવારે સવારે 08.45 થી 09.00 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ અને સવારે 09.00 થી 09.45 વાગ્યા દરમિયાન દૂરદર્શનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉત્સવ પરમારનું આજના સમયમાં બંધારણનું મહત્તવ એ વિષય પર વક્તવ્ય તેમજ સવારે 09.45 થી 10.00 દરમિયાન વક્તૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સવારે 10.00 થી 11.00 દરમિયાન મોટિવેશનલ સ્પીકર રિઝવાન આડતીયાનું જીવનમાં સફળ કેમ થવું?’ એ વિષય પર વક્તવ્ય યોજાશે.

ત્રીજા સેશનમાં તા. 11 જાન્યુઆરીના સાંજેના ત્રીજા સેશનમાં 6.15 થી 6.30 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે 6.30 થી 7.15 વાગ્યા દરમિયાન ખીચડી ફેઈમ, જાણીતા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર જે. ડી. મજેઠીયાનું ‘રુક જાના નહિ, તુમ કહીં હાર કે…’ એ વિષય પર વક્તવ્ય તથા સાંજે 7.15 થી 7.30 વાગ્યા દરમિયાન એમ. ડી., ઓરેવા ગ્રુપ અને જાણીતા ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલનું રણ સરોવર પ્રોજેકટનું મહત્વ’ વિશે વક્તવ્ય અને સાંજે 7.30 થી 7.45 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓનું સન્માન ઉપરાંત સાંજે 7.45 થી 9.00 વાગ્યા દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાનું સાચી સફળતાના સૂત્રો એ વિશે વક્તવ્ય યોજાશે.

ચોથું સેશન, 12 જાન્યુઆરીને રવિવાર સાંજે શરૂ થશે.જેમાં સાંજે 6.15 થી 6.30 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સાંજે 6.30 થી 8.00 વાગ્યા દરમિયાન જાણીતા વક્તા પૂ. જ્ઞાનવત્સલ સ્વામીનું ‘Live Living એ વિષય પર વક્તવ્ય અને રાત્રે 8.00 થી 8.30 વાગ્યા દરમિયાન દાતાઓનું સન્માન તેમજ રાત્રીના 8.30 થી 9.30 વાગ્યા દરમિયાન જાણીતા વક્તા અને લેખક જય વસાવડાનું ટેન્શન નહિ લેને કા…’ વિશે વક્તવ્ય યોજાશે.જ્યારે 12 જાન્યુઆરીને રવિવારે સવારના સેશનમાં 9.00 થી 11.00 દરમિયાન મહિલાઓ માટે હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 98254 88733, 98259 41704 (નામ નોંધાવવાની છેલ્લી તારીખ : 07/01/2020) પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

શસ્ત્ર પ્રદર્શન સહિતના વિવિધ સ્ટોલ બનશે આકર્ષણનું કેન્દ્ર

આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્ટોલ હશે. જેમાં પોલીસ તંત્રનો કાયદાકીય જાગૃતિ લાવતો સ્ટોલ, 181નો મહિલાઓને લગતા કાયદા અંગેની માહિતી આપતો સ્ટોલ, વહીવટી તંત્રનો વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપતો સ્ટોલ, પોલીસનો શસ્ત્ર પ્રદર્શનનો સ્ટોલ, 20થી વધુ ખેડૂતોના સ્ટોલ જેમાં ગરમાગરમ વિસરાતી જતી વાનગીઓની સાથે ઓર્ગેનિક ખેત પેદાશનું વેચાણ વગેરે હશે. આ ઉપરાંત કેન્ટીનની સમગ્ર વ્યવસ્થા કોમર્સ કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવશે. તેઓ અહીંથી એકત્ર થયેલ ફાળો ગરીબ બાળકોના લાભાર્થે ઉપયોગમાં લેશે.

જ્ઞાનોત્સવમાં રવિવારે સવારે યોજાશે ફન સ્ટ્રીટ, વિસરાતી રમતો અને પ્રવૃત્તિઓનો જલસો

શેરીની વિસરાતી જતી રમતોને જીવંત બનાવવા માટે યુવા જ્ઞાનોત્સવ કાર્યક્રમ અંતર્ગત તા.12ને રવિવારે ફનસ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે. જેમાં બાળકોથી માંડી અબાલ વૃદ્ધો માટે ખોખો, લંગડી, દોરડા ખેંચ, દોરડા કૂદ, સાત કુકડી, મ્યુઝિકલ ચેર, સાઈકલિંગ, ઝુંબા, એરોબિક્સ, ગરબા, ડાન્સ, સ્કેટિંગ, યોગા, કરાટે, લાઈવ સ્કેચ, લખોટી, ટાયર ફેર, જમ્બો સાપસીડી, કોથળા દોડ, આર્ટ એન્ડ ક્રાફટ સહિતની ૨૦ જેટલી રમતો રમાડાશે. બાળકોમાંથી મોબાઈલનું વળગણ દૂર થાય તેવા પ્રયાસ હાથ ધરવા આ કાર્યક્રમો યોજવામા આવી રહ્યો છે. આ ફન સ્ટ્રીટને લોકો પોતાના પરિવાર સાથે માણી શકે છે.

5 હજાર લોકોની ક્ષમતાવાળા ડોમમાં યોજાશે સમગ્ર ઇવેન્ટ

હાલ ભારે ઠંડી પડી રહી છે. ત્યારે યુવા જ્ઞાનોત્સવ માણવા આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 5 હજાર લોકોની ક્ષમતાવાળા ડોમમાં જ સમગ્ર ઇવેન્ટ યોજાનાર છે.આ ભવ્ય ડોમમાં બેસીને તમામ લોકો બધા જ કાર્યક્રમ માણી શક્શે. આ દરમિયાન તેઓને વધુ ઠંડી પણ સહન કરવી પડશે નહિ.

કાર્યક્રમની હાઈલાઈટ

– ઠંડીને ધ્યાને લઇ 5000 લોકો એક સાથે બેસી શકે તેવા વિશાલ ડોમનું આયોજન

– લોકો પુસ્તકવાંચન તરફ વળે તે માટે 30 ટકા ડિસ્કાઉન્ટ સાથે પુસ્તક મેળો યોજાશે

– પ્રથમ વાર પોલીસના શસ્ત્રોનું પ્રદર્શન થશે, મુલાકાતીઓ તમામ શસ્ત્રોની ઝીણવટભરી માહિતી મેળવી શકશે

– 20થી વધુ સ્ટોલ ખેડૂતોના હશે જેમાં ખેડૂતો વિસરતી જતી જૂની વાનગીઓ બનાવશે, અને ઓર્ગેનિક ખેત પેદાશોનું વેચાણ પણ થશે

– લોકસેવા ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ અને લોકોના હસ્તે ઉદ્ઘાટન કરાવીને તેઓની કામગીરીને બિરદાવાશે

– મોટિવેશનલ સ્પીકર સંજય રાવલનું ડર કે આગે જીત હૈ એ વિષય પર વક્તવ્ય

– કાજલ ઓઝા વૈદ્ય ‘સામાજિક સુરક્ષા : જવાબદાર કોણ?’એ વિષય પર ચોટદાર વક્તવ્ય

– મોરબીમાં પ્રથમ વખત જાણીતા સુરતના ઉધોગપતિ સાવજીભાઈ ધોળકીયાનું જાહેર વક્તવ્ય

– મોરબીમાં પ્રથમ વખય જાણીતા વક્તા પૂ. જ્ઞાનવત્સલ સ્વામીનું ‘Live Living એ વિષય પર વક્તવ્ય

– જાણીતા વક્તા અને લેખક જય વસાવડાનું ટેન્શન નહિ લેને કા’ વિષય ઉપર વક્તવ્ય

– મહિલાઓ માટે હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું આયોજન

– વિસરાતી જતી શેરી રમતોને પ્રોત્સાહન આપવા અનોખા ફન સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન

- text