મોરબી : આઉટસોર્સ કર્મીઓનું પગાર-બોનસ મુદ્દે કલેક્ટરને આવેદન, તા.1થી હડતાલની ચીમકી

- text


મોરબી : મોરબી જિલ્લામાંના આઉટસોર્સ કર્મચારીઓએ આજે બાકી પગાર, બોનસ અને પીએફ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. આ આવેદનમાં તા. 1થી હડતાલ ઉપર ઉતરીને કામગીરીથી અળગા રહેવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

આવેદનમાં જણાવાયું હતું કે આઉટસોર્સ કર્મચારીઓ એજન્સી થકી જુદા જુદા તાલુકાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર, સેવક, ડ્રાઇવર, સફાઈ કામદાર તથા ચોકીદાર તરીકે જે તે કચેરીઓમાં ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓને રવિવારની રજા બાદ કરતા 26 દિવસનો પગાર ચુકવવામાં આવે છે. રજાના દિવસોમાં પણ આ કર્મચારિયો કામ કરતા હોય છે.સામે વેતન ખૂબ ઓછું ચુકવવામાં આવે છે.

- text

વધુમાં જણાવાયું હતું કે એજન્સી તરફથી આઉટસોર્સ કર્મચારીઓને અત્યાર સુધીમાં પીએફના ખાતા નંબર તથા પગાર બીલની સ્લીપ મળેલ નથી. ટેલિફોનિક તથા એજન્સીના માણસોને રૂબરૂ જાણ કરવા છતાં પણ આજ સુધી આ માંગણીઓ પુરી કરવામાં આવી નથી. બાકી રહેતો પગાર, દિવાળી બોનસ તથા પીએફ વગેરે બાકી નીકળતું ચુકવણું કરવામાં નહિ આવે તો આઉટસોર્સ કર્મચારીઓ તા.1 જાન્યુઆરીથી કચેરીની કામગીરીથી દૂર રહેશે.

- text