હળવદમાંથી રીઢો બાઇક ચોર ઝડપાયો : 4 ગુન્હાના ભેદ ઉકેલાયા

- text


હળવદ : હળવદ તાલુકામાંથી પાછલા થોડા સમય દરમ્યાન થયેલ મોટરસાયકલની ચોરીઓના ભેદ ઉકેલતા મોરબી એલ.સી.બી.એ એક આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં ચાર બાઇક ચોરીના ભેદ ઉકેલાયા છે. આરોપીની વધુ પૂછપરછ ચાલુ હોય હજુ વધુ વાહન ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.

- text

પાછલા થોડા દિવસોથી હળવદ વિસ્તારમાં બાઇક ચોરીના બનાવોમાં વધારો થયો હોય નાયબ પો.મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચનાથી એલ.સી.બી. પો.ઇન્સ. વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ આદરતા ગણતરીના કલાકોમાં હળવદ પો.સ્ટે. વિસ્તારમાં થયેલા મોટર સાયકલ ચોરીમાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડી ચાર બાઈકના ગુન્હાના ભેદ ઉકેલી ચારેય બાઇક કિંમત રૂ 82000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની વધુ પૂછપરછ ચાલુ રાખી છે.તારીખ 23ના રોજ મોરબી એલ.સી.બી. સ્ટાફ હળવદ-માથક રોડ પર પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન એક શખ્સ નંબર પ્લેટ વગરના બાઇક પર પસાર થતા તેને અટકાવી બાઈકના કાગળો વગેરે માંગતા, જે ન રજૂ કરી શકતા અટકાયત કરેલા શખ્સની વધુ પૂછપરછ કરતા તે બાઇક ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. વધુ પૂછપરછમાં ઝડપાયેલા સખ્શે તેનું નામ બળદેવ બચુભાઈ ગોહેલ ઉં.વ. ૧૯, રહે. ખેતરડી, તા.હળવદ જણાવ્યું હતું અને ઝડપાયેલા બાઇક સહિત કુલ ચાર બાઇક ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેણે અલગ અલગ દિવસે, સમયે અને જગ્યાઓ પરથી બાઇક ચોરી કર્યા હતા જેમાં ચુંપણી ગામની સીમ, ચરાડવા ગામે શીતળા માતાજીના મંદિર પાસેથી, હળવદ સરા રોડ પર મેલડી માતાના મંદિર પાસે ભૂમિ ઇલેક્ટ્રિક પાસેથી તેમજ હળવદ શંકરપરાના નાકેથી મળીને કુલ 4 બાઇક ચોરી કર્યા હતા. જે પોલીસે કબ્જે કર્યા છે. આરોપી સયુંકત કુટુંબમાં રહેતો હોય, ઘરમાં તેના સિવાય બીજું કોઈ કમાનાર ન હોય અને હાલ મજૂરી કામ મળતું ન હોવાથી બાઇક ચોરીના રવાડે ચડ્યો હોવાની આરોપીએ કબુલાત આપી હતી. એલ.સી.બી. મોરબીના પો.હેડ.કોન્સ. ઈશ્વરભાઈ ક્લોતરા, પો.કોન્સ. પૃથ્વીસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, દસરથસિંહ પરમાર અને સહદેવસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઉપરોક્ત ગુન્હાઓ ડિટેકટ કરવાની કામગીરીમાં રોકાયા હતા.

- text