મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન દ્વારા દ્વીદશાબ્દિ મહોત્સવનું અભૂતપૂર્વ આયોજન

- text


6,400થી વધુ વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું : સુપ્રસિદ્ધ લેખક જય વસાવડા વક્તવ્ય આપશે : વિદ્યાર્થીઓ – શિક્ષકો જૂના સંસ્મરણોને તાજા કરશે

મોરબી : મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રગણ્ય એવા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનનું પ્રથમ સોપાન નવયુગ વિદ્યાલયને 20 વર્ષ પૂર્ણ થતાં ભવ્યાતિભવ્ય દ્વીદશાબ્દિ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 20 વર્ષ પૂર્વે 1999માં એક બીજ સ્વરૂપે રોપાયેલ નવયુગ વિદ્યાલય આજે વિશાળ વટવૃક્ષ બનીને અડીખમ ઊભી છે. જેમાં સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી ચાલેલ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થયેલ વિદ્યાર્થીઓ, તે વિદ્યાર્થીઓના અભ્યાસ અને જીવન ઘડતરમાં પોતાનું નિષ્ઠાપૂર્વકનું અમૂલ્ય યોગદાન આપનાર વિદ્યાગુરૂઓ તેમજ સંસ્થા સાથે પારિવારિક ભાવનાથી જોડાયેલ સંસ્થાના અન્ય સદસ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા હેતુ સાથે આ અનન્ય મહોત્સવનું આયોજન થયેલ છે.

1999માં માત્ર 6 વર્ગખંડો સાથે શરૂ થયેલ આ સંસ્થાના અલગ અલગ વિભાગો (નવયુગ વિદ્યાલય, નવયુગ શૈક્ષણિક સંકુલ, નવયુગ કરિયર અકેડમી)માં હાલમાં 10 ડિગ્રીલક્ષી અને 15 કારકિર્દીલક્ષી એમ કુલ મળીને 25 જેટલા અભ્યાસક્રમો ચાલે છે, જેમાં પા–પા પગલીથી લઈને પગભર થવા સુધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે .

આ સંસ્થામાં અત્યાર સુધીમાં 15,000થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને પોતાની સફળ કારકિર્દીરૂપી કેડી કંડારી છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હાલમાં 5,500 થી વધુ વિદ્યાર્થીઓ ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, તેમજ 300 થી વધુ કર્મચારીગણ પોતાની ઉત્કૃષ્ટ ફરજ બજાવી રહ્યા છે.

- text

નવયુગ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે દ્વિદશાદિ મહોત્સવમાં હાજર રહેવા માટે અત્યાર સુધીમાં કુલ મળીને 6,400થી વધુ વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ મહોત્સવમાં નવયુગ ગેલેરી દ્વારા સંસ્થાના જૂના સંસ્મરણોને તાજા કરવામાં આવશે તેમજ પ્રાચીન કલાત્મક વસ્તુઓના પ્રદર્શન દ્વારા આપણી સંસ્કૃતિની ઝલક આપવામાં આવશે. ઉપસ્થિત વ્યક્તિઓ સેલ્ફી ઝોન દ્વારા વર્તમાનની ક્ષણોને કચકડે કંડારશે.

ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક તેમજ પ્રખર વક્તા કે જે યુવા પેઢીના આદર્શ ગણાય છે તેવા જય વસાવડાના વક્તવ્ય ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, સંસ્થાના પૂર્વ વિદ્યાથીઓમાંથી જેમણે વિશેષ સિદ્ધિ હાંસલ કરીને સંસ્થા, સમાજ તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે તેવા વિધાથીઓ અને કર્મનિષ્ઠ કર્મચારીઓનો સન્માન સમારોહ, મન કી બાત કાર્યક્રમ દ્વારા વિધાથીઓ તેમજ વિદ્યાગુરુઓ પોતાના મંતવ્યો, સંરમરણો અને અનુભવો રજૂ કરશે. ત્યારબાદ સ્નેહ ભોજન તેમજ રાસગરબાની મોજ માણશે.

આ મહોત્સવ અંતર્ગત નવયુગ વિધાલયના વધુમાં વધુ પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ જોડાય તેવી અપીલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા કરવામાં આવી છે અને વધુ માહિતી માટે સંસ્થાના સંપર્ક નંબર 98790 97520 પર સંપર્ક કરવા અનુરોધ ક૨વામાં આવેલ છે.


 

- text