મોરબી જિલ્લામાં ભારે વરસાદથી 45 ગામોમાં પાકને સૌથી વધુ નુકશાની : સર્વે શરૂ કરાયો

- text


મોરબી જિલ્લામાં 209085 હેકટરમાં વાવેતર પણ અતિવૃષ્ટિથી મોટાભાગના ખેતરો ધોવાયા : ખેતીવાડી વિભાગ દ્વારા નુકશાની અંગે સર્વે હાથ ધરાયો

મોરબી : મોરબી જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે ઓણસાલ વાવેતર તો સારું થયું છે પણ અતિવૃષ્ટિથી મોટી નુકશાની થઈ છે. ખાસ કરીને 45 ગામોમાં ખતરોમાં ધોવાઈ જતા પાક બળી જવાથી મોટી નુકશાની થઈ છે. જ્યારે જિલ્લાના અનેક ગામોમાં પુરના પાણી ફરી વળતા ખેતરો ધોવાઈ જવાથી ભારે તારાજી થઈ છે. જેથી ખેતરોમાં થયેલી નુક્શાનીનો સાચો તાગ મેળવવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ચાલુ સાલ ચોમાસામાં થેયલ વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ મોરબી જિલ્લાના કુલ 335899 હેકટર વાવેતર વિસ્તારમાંથી 209085 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાંથી સૌથી વઘુ 186147 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે અને મગફળીનું 41264 હેકટર તેમજ તલનું 11503 હેકટરમાં વાવેતર થયું છે.બાકીના પાકોનું પણ સારું વાવેતર થયું છે પણ અતિવૃષ્ટિથી નુકશાનીનો આક બહુ મોટો હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.જેમાં જિલ્લાના 45 ગામોમાં સૌથી મોટી નુકશાની થઈ હોવાના અહેવાલો મળ્યા છે.મોરબી, માળીયા,ટંકારા અને આમરણ ચોવીસીના મળીને કુલ 45 ગામોના ખેતરો પુરમાં ધોવાઈ જતા પાક નાશ પામ્યો હતો

- text

મોરબી જિલ્લામાં ગત વર્ષે ઓછા વરસાદથી પાક નિષફળ ગયો હતો.આથી ખેડૂતોને આ વર્ષ સારું જવાની આશા હતી અને ગતવર્ષની ખોટ સરભર થઈ શકશે એવી આશા હતી.પણ આ વર્ષે શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ ધીમીધારે વરસાદ પડતો હોવાથી ખેતીને અનુકૂળ હોય મોટાભાગના ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું.અને ખેતરોમાં પાક પણ લહેરાતો હતો.એવામાં અતિવૃષ્ટિએ ખેડૂતોની રહી સહી આશા પર પાણી ફેરવી દીધું હતું.જેમાં ગત તા.10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડતા પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મોટાભાગના ખેતરોમાં પાણી ફરી વળતા ઉભો પાક નાશ પામ્યો હતો.મોરબી, માળીયા,ટંકારા અને આમરણ ચોવીસી સહિતના 45 ગામોમાં વ્યાપક નુકશાની થઈ હતું.ધૂનડા ખાનપરથી માળીયા સુધીના આખા ગ્રામ્ય પટ્ટીના વિસ્તારોમાં પાણી ફરી વળતા મોટી નુકશાની થઈ હતી.જોકે આ વખતની અતિવૃષ્ટિએ જિલ્લાના અનેક ગામોના ખેતરોમાં મોટી નુકશાની કરી હોવાની ખેડૂતોમાં ફરિયાદ ઉઠી છે.અને ખેતીવાડી વિભાગે પણ ભારે વરસાદમાં ખેતરો ધોવાઈ જતા પાકને મોટું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે.જોકે જિલ્લાના તમામ ગામોમાં ખેતરોમાં થયેલી નુકશાનીનો સાચો તાગ મેળવવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સર્વે 15 દિવસ ચાલશે.

- text