મોરબી : શહેરના તમામ રસ્તાઓ જળમગ્ન બનતા હાલત કફોડી : ખાસ કામ વગર બહાર ન નીકળવા તંત્રની લોકોને અપીલ

- text


મોરબી : પાછલા 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લા – શહેરમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે સમગ્ર મોરબી શહેર પાણીમાં ડૂબાડૂબ થઈ ગયું છે. શહેરના તમામ રસ્તાઓ પર હાલ ગોંઠણડુબથી લઈ કેડસમાં પાણી ભરાઈ ગયા છે. લોકો ખાસ જરૂરી કામ સિવાય બહાર ન નીકળતા ઘરમાં જ કેદ થઈ ગયા છે. તમામ શાળા કોલેજો અને બજારો સંપૂર્ણ બંધ છે.

- text

મચ્છુ 2 ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે પરિસ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે. મોરબી શહેરના એક પણ રસ્તા એવા નથી બચ્યા કે જ્યાં પાણી ન ભરાયા હોય. ખાસ કરીને રામચોક, જુના બસસ્ટેન્ડ તરફ જતો રસ્તો ગોંઠણડૂબ પાણીમાં ગરકાવ બન્યો છે. લોકોના ઘર-ઓફીસ, દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. ત્યારે કરોડો રૂપિયાના માલસમાનનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. રવાપર જતા રસ્તા પર ફીણ વાળું પાણી ફરી વળતા કોઈકે કેમિકલ વ્હાવ્યું હોવાની આશંકા પ્રબળ બની છે. રાફળેશ્વર-લીલાપરનો રસ્તો અવરજવર થઈ શકે એવો રહ્યો નથી. આથી એ વિસ્તારમાં જવા-આવવામાં સાવચેતી રાખવી. મોરબીવાસીઓને હવે આટલું બધું પાણી જોઈને ધ્રાસકો પડી રહ્યો છે. લગભગ પુર જેવી સ્થિતિનું નિર્માણ થતા
પાલિકા પ્રમુખે સૂચના જારી કરી છે કે લોકોએ ખાસ ઇમરજન્સી સિવાય ઘરની બહાર નીકળવું નહિ. ખોટી અફવાઓ ફેલાવવી નહિ. તંત્ર તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને ડિઝાસ્ટર ટીમ દરેક મોરચે લડવા માટે સક્ષમ છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને અને ખાસ કરીને ડેમના નીચાણવાળા વાળા વિસ્તારના લોકોને અગમચેતીના પગલના ભાગ રૂપે ખસેડી લેવામાં આવ્યા છે. મોરબી શહેરમાંથી પાણીનો ભરાવો દૂર કરવા માટે ટિમો કામે લગાડાઈ છે. લોકોએ ગભરાવું નહિ તેમજ તંત્રને સાથ આપવા અપીલ કરાઈ છે.

- text