અમદાવાદ ટ્રાફિક પોલીસનો છબરડો, વાંકાનેરના નિર્દોષ વાહનચાલકને ખોટો મેમો ફટકાર્યો

- text


છેલ્લા ત્રણ મહિનાથી વાહન ક્યાંય ગયું જ ન હોવા છતાં ઇ ચલાન આવતા ભારે આશ્ચર્ય સર્જાયું

મોરબી : રાજ્ય ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આધુનિકતા સાથે કદમ મિલાવી આઈવે પ્રોજેકટ કાર્યરત છે જેમાં CCTV કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોની વાહન નંબર દ્વારા ઓળખ મેળવી તેમને ઇ-ચલાન મોકલી ઓનલાઈન દંડ વસુલ કરવામાં આવે છે. પણ ક્યારેક અતિ આધુનિકતાનાં છબરડાને કારણે નિર્દોષ વાહનચાલકોને પણ વિના વાંકે દંડાવાનો વારો આવે છે.આવો જે એક બનાવ વાંકાનેરના વાહનચાલક સાથે બનવાની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે વિના વાંકે ઇ-ચલાન પાઠવી છબરડા કરવાનો ક્રમ યથાવત રાખ્યો છે.

- text

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વાંકાનેર કુંભારપરા ખાતે રહેતા અને પોતાનું મહિન્દ્રા મેક્સિમો વાહન ધરાવતા સુરેશભાઈ અંબાભાઈ ગુજરાતીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ઇ-ચલાન પાઠવી દંડ ભરવા જણાવાયું છે. જો કે વાહનચાલક સુરેશભાઈના જણાવ્યા મુજબ તેઓનું મહિન્દ્રા મેક્સિમો વાહન છેલ્લા ત્રણેક મહિનાથી ઘરે જ છે અને ક્યાંય બહાર લઈ ગયેલ પણ નથી. તેવામાં અમદાવાદ પોલીસની ત્રીજી આંખને આ વાહન ક્યાંથી દેખાઈ ગયું એ નવાઈ પમાડે છે.

આટલું ઓછું હોય તેમ ઇ-ચલાનમાં ટ્રાફિક નિયમનો ભંગ કરવા અંગે જે ફોટા દર્શાવવામાં આવ્યા છે તેમાં ચશ્મા પહેરીને જોવા છતાં સુરેશભાઈનું મહિન્દ્રા મેક્સિમો વાહન દેખાતું નથી. વળી ઇ-ચલાનમાં દર્શાવેલ નંબર સુરેશભાઈના વાહનના જ છે તેવામાં અમદાવાદ ટ્રાફિક પોલીસના આઈવે પ્રોજેકટના કર્મચારીઓની કામગીરી પર પણ સવાલ ઉભો થાય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ આઈવે પ્રોજેકટનાં આવા છબરડા બહાર આવવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે.

- text