60 ગ્રાહકોના કાર વીમાના પૈસા લઈને એજન્ટ રફુચક્કર

- text


મોરબી : મોરબી ખાતે આવેલા હુન્ડાઈના શોરૂમમાં વિમા એજન્ટ તરીકેનું કામ કરતો તેજસ નામનો વીમા એજન્ટ ગ્રાહકો પાસેથી વીમાના પૈસા લઈ આગળ કંપનીમાં પૈસા ન ભરીને છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. આ બાબતે કારના શો રૂમ માલિકે વીમા એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.

- text

બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ હુંડાઈના શો રૂમમાં વિમા એજન્ટ તરીકે કામ કરતો તેજસ નામનો વીમા એજન્ટ ગ્રાહકો પાસેથી કારના વીમાના પૈસા લઇ એ પૈસા વીમા કંપનીમાં ન ભરતા પોતાની પાસે જ રાખી લઈને ગ્રાહકો સાથે છેતરપીંડી કરતો હતો. એક ગ્રાહક મયુરભાઈ મનહરભાઈ સનીયારાએ જ્યારે સર્વિસ માટે શોરૂમમાં કાર મૂકી અને સર્વિસના પૈસા વીમા કંપનીમાંથી વસૂલ કરવા માટેની કાર્યવાહી કરી એ દરમિયાન છેલ્લે ભરેલા 21 હજાર રૂપિયા વીમા કંપનીમાં જમા જ ન થયા હોવાનું સામે આવતા કાર શોરૂમના સંચાલક ચોંકી ઉઠ્યા હતા. જે બાબતે તપાસ કરતા કુલ ૬૦ જેટલા ગ્રાહકોના વીમાના પૈસા આ તેજસ નામનો વીમા પોલિસી એજન્ટ ઓળવી ગયો હોવાનું સામે આવતા કાર શો રૂમના સંચાલક સહિત કાર માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગ્રાહકોના વીમાના પૈસા લઇ રફુચક્કર થયેલા વીમા એજન્ટ તેજસને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

- text