મોરબીમાં ગુજરાત ગેસની ઇમરજન્સી ટીમને બંધક બનાવી લેવાની ઘટનાથી ખળભળાટ

- text


ગતરાત્રીના મોરબીના સિરામિક ઉદ્યોગકારોના ગ્રુપે ઇમરજન્સી ટીમ સાથે જોરજબરદસ્તી કરતા ગુજરાત ગેસ લાલઘૂમ

મોરબી : મોરબીના તમામ સિરામિક એકમોને સમાન ગેસ પુરવઠો મળી રહે તે માટે ગુજરાત ગેસ કંપની દ્વારા કામચલાઉ ધોરણે ૨૦ ટકા સ્વૈચ્છીક કાંપ લાદવામાં આવતા રોષે ભરાયેલા કેટલાક સિરામિક ઉદ્યોગકારો દ્વારા પૂરતા પ્રેસરથી ગેસ પુરવઠો ન મળતો હોવાના બહાને ગઈકાલે રાત્રીના કલાકો સુધી ગુજરાત ગેસના ઇમરજન્સી સ્ટાફને બંધક બનાવી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, આ ગંભીર ઘટના મામલે ગુજરાત ગેસ દ્વારા સિરામિક એસોશિએશનને પત્ર પાઠવી ઉદ્યોગકારોને શિસ્ત જાળવવા અનુરોધ કર્યો છે.

મોરબીમાં ઘટેલી આ ગંભીર ઘટના અંગે ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના ચોક્કસ રોડ વિસ્તારમાં ગેસ પુરવઠો ઓછો મળતો હોવાની ફરિયાદ કરી ઇમરજન્સી ટીમને સિરામિક એકમ ખાતે બોલાવવામાં આવી હતી બાદમા ઘટનાસ્થળે પહોંચેલી ઇમરજન્સી ટીમ સાથે કેટલાક સિરામિક એકમોના સંચાલકોએ બદસુલુકી કરી અને કલાકો સુધી બંધક બનાવી લીધા હતા.

- text

બીજી તરફ આજે આ ગંભીર ઘટનાની જાણ ગુજરાત ગેસના ઉચ્ચ અધિકારીઓને થતા સમગ્ર ઘટના અંગે મોરબી સિરામિક એસોશિએશનને લેખિત પત્ર પાઠવી ચોકવનારી બાબત અંગે ઉદ્યોગકારોને આવું વર્તન ન કરી ગેસ કંપનીને સહકાર આપવા જણાવ્યું હતું, સાથો – સાથ ૨૦ ટકા કાંપનો અમલ કરવાને બદલે વધુ ગેસનો ઉપયોગ કરનાર એકમોનો ગેસ પુરવઠો કાંપી નાખ્યો હોવાનું પણ પત્રમાં જણાવાયું છે.

વધુમાં ગઈકાલે રાત્રીની ઘટનામા ઇમરજન્સી સ્ટાફને બંધક બનાવવમાં આવતા અનેક ગ્રાહકોની ફરિયાદનો નિકાલ થઈ શક્યો ન હોવાની જણાવી આવા કૃત્ય બદલ હવે ગુજરાત ગેસ કંપની કડક પગલા ભરવા મજબૂર બનશે તેવું સ્પષ્ટ પણે જણાવી ગુજરાત ગેસ કંપનીની ઇમરજન્સી ટીમને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ કંપની દ્વારા લાંબાગાળાના આયોજન સાથે નવી લાઈન પણ બિછાવી દીધી છે ત્યારે વધીને બે કે ચાર દિવસમાં ગેસ ટ્રબલ સોલ્વ થઈ જાય તેમ હોવા છતાં કેટલાક ઉદ્યોગકારોને કારણે સમગ્ર મોરબીનો સિરામિક ઉદ્યોગ બદનામ થઈ રહ્યો હોવાનું ગઇકાલની ઘટના પરથી ફલિત થઈ રહ્યું છે.

- text