માટેલ આશ્રમશાળાના ગુમ થયેલ બાળકોને તાત્કાલિક શોધી કાઢતી વાંકાનેર તાલુકા પોલીસ

- text


હોસ્ટેલમાં રહીને ભણવું ગમતું ન હોય બાળકો નાસી ગયા : પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા પરિવારજનોમાં હર્ષની લાગણી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની નજીક આવેલ સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટ સંચાલિત બક્ષીપંચ આશ્રમશાળામાંથી બે બાળકો ગુમ થઈ જતા આચાર્યએ નોંધાવેલ ફરિયાદ બાદ વાંકાનેર તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાળકોને શોધી કાઢતા બાળકોના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ માટેલ નજીક જામસર ચોકડી પાસે આવેલ સર્વોદય આશ્રમશાળાના બે બાળકો ગુમ થઈ જતા આચાર્ય જીગ્નેશભાઈ અમૃતલાલે વાંકાનેર તાલુકા પોલીસને જણાવેલ કે પોતાની શાળામાંથી બે બાળકો કોઈને કંઈ પણ કહ્યા વગર જતા રહેલ છે.

બાળકો ગુમ થયાની જાણ થતાં જ તાત્કાલિક વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવી અને તેમના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવેલ અને તેઓને માહિતી મળેલ કે આવા વર્ણનવાળા બે છોકરા ચોટીલા તાલુકાના મોલડી ગામે છે.

- text

જેથી પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી પૂછપરછ કરતાં બાળકોએ જણાવેલ કે તેઓને હોસ્ટેલમાં ફાવતું ન હોય જેથી કોઈને કહ્યા વગર પોતાના ઘરે જવા માટે નીકળી ગયેલ હતા જેમાંથી એક બાળકને તેમના વાલીને તથા બીજા બાળકને આચાર્યને સોપી આપેલ છે. બાળકો હેમખેમ મળી આવતા આચાર્ય તથા વાલીએ પોલીસનો આભાર વ્યક્ત કરેલ અને વાંકાનેર તાલુકા પોલીસની તાત્કાલિક કાર્યવાહીને બિરદાવેલ હતી.

- text