જાદુ ! પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ મેદાને આવતા જ નર્મદા કેનાલમાં પાણી દોડ્યું

- text


ઢાંકી કેનાલથી વધુ માત્રામાં પાણી છોડાવવાની સાથે ખેડૂતોની વેદના મુખ્યમંત્રી સુધી પહોંચાડી : પાણી ઝડપથી ખાખરેચી પહોંચવાનો આશાવાદ

મોરબી : રવિ સિઝનના વાવેતર માટે કાગડોળે પાણીની રાહ જોઈ આઠ – આઠ દિવસથી ખેડૂતોના આંદોલન છતાં નર્મદા કેનાલમાં મોરબી માળીયા સુધી પાણી ન આવતા અંતે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મેદાને આવતા જાણે જાદુ થયો હોય એમ આજે નર્મદાના પાણી ઘાટીલા સુધી પહોંચી ગયું છે અને મુખ્યમંત્રી સુધી ખેડૂતોની વેદના પહોંચાડી ઢાંકી પમ્પીંગ સ્ટેશનેથી પાણીનો ફ્લો વધારવાની કાંતીભાઈની રજુઆત ધ્યાને લઈ પાણીનો ફ્લો વધારતા હવે ટૂંક સમયમાં જ પાણી ખાખરેચી પહોંચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતીયાના સઘન પ્રયત્નથી માળિયા બ્રાન્ચ કેનાલમાં જુના ઘાટીલા સુધી પાણી પહોંચ્યું છે અને ઝડપથી કુંભારીયા ખાખરેચી પહોંચશે, મોરબી માળીયા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે તા. 24.11.18 શનિવારના રોજ કરેલ મુલાકાત બાદ અને માળિયા બ્રાન્ચ કેનાલના અધિકારીઓને મળેલ સૂચના બાદ ઢાંકીથી પાણી છોડવાના લેવલમાં વધારો કરવામાં આવ્યો છે તથા માળિયા તાલુકામાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પહોંચાડવા અભિયાન આદરવામાં આવ્યું હોવાનું કાંતીભાઈએ જણાવ્યું હતું.

- text

વધુમાં નર્મદા કેનાલમાં કિ. મી. 0.00 થી કિ. મી. 70.00 તથા કિ. મી.70.00 થી કિ. મી. 93 ના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ચાલતી બકનળીઓ બંધ કરવા, પાણીચોરી અટકાવવા, તમામ ડિસ્ટ્રીબ્યુટરી બંધ કરાવવા, એસ.આર.પી. અને પોલીસનું સઘન રાત દિવસ પેટ્રોલિંગ કરાવવા કાંતિભાઈએ સૌરાષ્ટ્ર શાખા નહેરના અધિકારીઓ સાથે તથા જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરી છે અને હાલમાં પાણી છોડવાનું 2.60 મીટર લેવલ મેન્ટેઈન કરવામાં આવતા સિંચાઈનું પાણી જુના ઘાંટીલા સુધી પહોંચી ગયેલ છે જે ટૂંક સમયમાં કુંભારીયા ખાખરેચી અને આગળ પહોંચશે.

ઉલ્લેખનીય છે કે આજે તા. 26 ના રોજ કાંતિભાઈ અમૃતિયા માળીયા બ્રાન્ચ કેનાલ પર જ છે અને છેક ચીખલી સુધી પાણી પહોંચાડવા સંપૂર્ણ પ્રયત્નશીલ હોવાનું સત્તાવાર રીતે તેમની યાદીમાં જણાવાયું છે.

- text