લજાઈ ગામે ગૌસેવાના લાભાર્થે ૧૦ લાખનો ફાળો : સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ નાટક હિટ

- text


લજાઈ ગામના વતની ડોકટર, ઉદ્યોગપતિ અને યુવાનોએ ભજવ્યું અદભુત નાટક

લજાઈ : અમારા ગામની ગાયો કદી કતલખાને નહિ જાય તેવા ઉમદા આશય સાથે ગૌસેવા કામધેનુ વિસામો ટ્રસ્ટ લજાઈના લાભાર્થે છેલ્લા ૫૧ વર્ષથી ચાલતો સેવાયજ્ઞમાં દર વર્ષની જેમ આ વર્ષે પ્રસિદ્ધ નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રજુ કરવામાં આવતા એક જ રાત્રીમાં ૧૦ લાખનો ફાળો નોંધાયો હતો.

મોરબી નજીક ૫૧ વર્ષ પૂર્વે ૧૯૬૭માં લજાઈ ગામ સમસ્ત દ્વારા કરાયેલા સંકલ્પને પરિપૂર્ણ કરી ગૌવંશને કતલખાને જતું બચાવવા ગૌ સેવાનો અનોખો યજ્ઞ ચલાવવામાં આવે છે.આ સેવા યજ્ઞના ભાગરૂપે નિરાધાર, અંધ, અપંગ ગાયોની સેવા કરવા માટે દરવર્ષે નવરાત્રીમાં લજાઈ ગામના યુવક મંડળ દ્વારા નાટક રાજુ કરી ફાળો એકત્રિત કરવામાં આવે છે જેમાં ઉદ્યોગપતિ, ડૉક્ટરોથી લઈ તમામ ક્ષેત્રના લોકો ઉચ્ચ નીચનો ભેદભાવ ભૂલી નાટકના પાત્રો ભજવે છે અને સ્ત્રી પાત્ર પણ પુરુષો જ ભજવી અદભુત માહોલ ખડો કરે છે.

- text

ગઈકાલે લજાઈ યુવક મંડળના સભ્યો દ્વારા પ્રસિદ્ધ નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને હાસ્ય રસિક કોમિક નાટક રજૂ કરવામાં આવતા હકડેઠઠ માનવ મહેરામણ ઉમટ્યો હતો અને એક જ રાતમાં લોકોએ ઉદાર હાથે ફાળો નોંધાવતા ૧૦ લાખ જેવી રકમ ગૌસેવા માટે એકત્રિત થઈ હતી.

લજાઈ ગામે ચાલતા આ સેવા યજ્ઞ અંગે ગૌશાળાના સંચાલક અને મહંત સોમદત બાપુએ જણાવ્યું હતું કે ૫૨ વર્ષથી આ સેવાયજ્ઞ ચાલે છે અને અમે પુરાતન સંસ્કૃતિ મુજબ ગાયોને પૂજનીય ગણી કતલખાને જતી બચાવવા પ્રયાસ કરીએ છીએ ઉલ્લેખનીય છે કે લજાઈ ગામે દર નવરાત્રીમાં દિવાળી જેવા માહોલ વચ્ચે તમામ બહેનો દીકરીઓ પણ આ ઉત્સવમાં જોડાવા બહારગામથી ખાસ મહેમાન બની અહીં પધારે છે.

- text