આજે મોરબીના બગથળામાં હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન : તંત્ર એલર્ટ

- text


હાર્દિકના ઉપવાસ આંદોલનને મંજૂરી મળતા મોરબીમાં લોકશાહી જીવંત હોવાનું જણાવતા પાસ કન્વીનર મનોજ પનારા : સવારે 11 વાગ્યે ઉપવાસ શરૂ થશે

મોરબી : આજે ગાંધી જયંતિના અવસરે પાટીદાર અનામત આંદોલનને પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા મોરબી તાલુકાના બગથળા ગામે હજારો પાટીદારોની ઉપસ્થિતિમાં પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવનાર છે ત્યારે અત્યાર સુધીના પાટીદાર અનામત આંદોલનમાં સૌ પ્રથમ વખત સરકારે મોરબી જિલ્લામાં ઐતિહાસિક ગણી શકાય તેવો નિર્ણય લઈ હાર્દિક પટેલના કાર્યક્રમને મંજૂરી આપતા પાસમાં ખુશીની લહેર દોડી ઉઠી છે અને હજુ લોકશાહી જીવંત હોવાનું પાસ કન્વીનર મનોજ પનારાએ સતાવાર રીતે જણાવ્યું હતું.

ગાંધી જયંતિના અવસરે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અલ્પેશ કથીરિયાની જેલમુકતિ, ખેડૂતોના દેવા માફી, પાટીદારોને અનામતનો લાભ આપવો અને મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે બગથળા ગામે એક દિવસ માટે હાર્દિક પટેલ અને હજારો પાટીદારો દ્વારા ઉપવાસ આંદોલન કરવાનું જાહેર કરી ઉપવાસ માટે મંજૂરી માંગી હતી જેને મોરબી જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ એલર્ટ બની છે અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

- text

દરમિયાન મોરબી પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, મોરબી પાટીદાર અનામત આંદોલનનું એ.પી.સેન્ટર છે આંદોલનની શેરૂઆતથી જ મોરબી જિલ્લો હમેશા અગ્રેસર રહ્યો છે ત્યારે ગાંધી જયંતિના અવસરે હાર્દિકભાઈ પટેલના ઉપવાસ આંદોલનને તંત્રએ પ્રથમ વખત જ મંજૂરી આપતા પાસ તંત્રનો આભાર માને છે અને હજુ પણ મોરબીમાં લોકશાહી જીવંત હોવાની પ્રતીતિ થઈ છે.

વધુમાં આજના ઉપવાસ આંદોલન અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલ ગઈકાલે સાંજે જ મોરબી આવી ગયા હતા અને રાત્રીના નવાગામમાં ખાટલા બેઠક યોજી ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા. આજના ઉપવાસ આંદોલન અંગે તેમને ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલ સાથે ૫૦૦૦ પાટીદારો ઉપવાસમાં જોડાશે અને અંદાજે ૨૫૦૦૦ જેટલા પાટીદારો આજે બગથળા ગામે ઉમટી પડશે તેવું અંતમાં જણાવ્યું હતું.

 

- text