મોરબીમાં નવરાત્રી ફીવર : ખેલૈયાઓમાં કચુકો, છોગાળા સ્ટેપ હોટ ફેવરિટ, જુઓ વિડિઓ

- text


નવરાત્રીની કાગડોળે જોવાતી રાહ : ત્રણ – ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરી રહેલા ખેલૈયાઓમાં ગરબા રમવા થનગનાટ

મોરબી : નવરાત્રી આડે હવે પંદરેક દિવસનો જ સમય બાકી રહ્યો છે ત્યારે ગરબે ઘુમવા અધિરા બનેલા મોરબીના ખેલૈયાઓમાં ઓણ સાલ કચુકો અને છોગાળા સ્ટેપ્સ હોટ ફેવરિટ બન્યા છે, સાથે – સાથે ૨૨ સ્ટેપ, ૨૮ સ્ટેપ, ૨૯ સ્ટેપ, અને થનગનાટ જેવા સ્ટેપ્સ પણ ખેલૈયાઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હોય જલ્દી નવરાત્રી આવે અને જલ્દી ગરબે ઘુમવા મળે તેવું ખેલૈયાઓ ઇચ્છી રહ્યા છે.

નવરાત્રી શબ્દ સાંભળતા જ યુવાધન હિલોળે ચડે છે ત્યારે મોરબીના યુવા હૈયાઓમાં પણ નવરાત્રીની કાગડોળે રાહ જોવાઇ રહી છે, ખાસ કરીને મોરબીના વિવિધ વિસ્તારોમાં યુવતીઓ છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી અર્વાચીન દાંડિયારાસના જુદા – જુદા સ્ટેપ્સ શીખવા ગરબા કલાસીસમાં જઇ રહી છે, મોરબીમાં છેલ્લા આઠ વર્ષથી વાયબ્રન્ટ ગરબા ક્લાસિસ ચલાવી રહેલા ભાસ્કર પૈજાના જણાવ્યા મુજબ મોરબીમાં આ વર્ષે ખેલૈયાઓમાં છોગાળા અને કચુકો સ્ટેપ્સ ખૂબ જ હોટ ફેવરિટ બન્યા છે.

- text

ચાલુ વર્ષે ગુજરાત સરકારે નવરાત્રી પર્વે મીની વેકેશન પણ જાહેર કર્યું હોય ખેલૈયાઓમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ગરબા શીખવા આવતી ટ્વીન્કલ શાહ અને પૂજા જોબનપુત્રા કહે છે કે, અન્યોથી જરા હટકે સ્ટેપ્સ લઈ ગરબે ઘુમવા મોરબીના ખેલૈયાઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અને ત્રણ – ચાર માસની લગલગાટ મહેનત બાદ હવે જલ્દીથી નવરાત્રી શરૂ થાય તેવું અમે ઈચ્છી રહ્યા છીએ.

એ જ રીતે પૂજા સેજપાલ અને રાહુલ કાવૈયા કહે છે કે દેશી અર્વાચીન ગરબામાં ફ્યુઝન રૂપે અલગ અલગ સ્ટેપ્સ લઈ ગરબે ઘુમવામાં કઈક અલગ જ આનંદ આવે છે, ખાસ કરીને ૨૨ સ્ટેપ્સ, ૨૮ સ્ટેપ્સ, ૨૯ સ્ટેપ્સ, થનગનાટ સહિતના અનેકવિધ સ્ટેપ્સ મોરબીના યુવા હૈયાઓએ તૈયાર કર્યા છે. બસ હવે તો જલ્દી નવરાત્રી શરૂ થાય અને અવનવા ડ્રેસમાં જલ્દીથી ગરબે ઘુમવા મળે તેવું ખેલૈયાઓ ઈચ્છી રહ્યા છે.

જુઓ નવરાત્રીની તૈયારીની વિશેષ વિડિઓ સ્ટોરી..

 

- text