મોરબી : દૂષિત પાણી વિતરણ અને ઉભરાતી ગટરોના પ્રશ્ને લોકોનો પાલિકામાં હલ્લાબોલ

- text


મોરબી : મોરબી પાલિકા તંત્રની લાપરવાહીને પાપે ગટરના પાણી નળની મુખ્યલાઈનમાં ભળી જતા અડધા મોરબીમાં દૂષિત પાણી વિતરણ થતા આજે સનાળા રોડના વિઠ્ઠલનગરના રહેવાસીઓ રજુઆત માટે દોડી આવ્યા હતા તો બીજી તરફ શાકમાર્કેટ પાછળ ગટર ઉભરાવાનું બંધ ન થતા વેપારીઓએ પાલિકામાં હલ્લાબોલ કરતા પાલિકા પ્રમુખે બન્ને પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના અડધો અડધ વિસ્તારમાં લોકોને દૂષિત પીવાનું પાણી વિતરણ થતું હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે શનાળા રોડ પર આવેલ વિઠ્ઠલનગરના રહેવાસીઓ પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને તંત્ર દ્વારા અપાતું પાણી પીવા માટે તો ઠીક વાપરવામાં પણ ઉપયોગ આવી શકે તેમ ન હોવાની નવનિયુક્ત પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી.

- text

દરમિયાન મોરબીમાં બાબા આદમના વખતની નળની પાઇપલાઇન ખરાબ થઈ હોય અનેક જગ્યાએ લિકેજને કારણે ગટરના પાણી નળની મુખ્ય લાઈન સાથે ભળી ગયા હોવાની ચોંકાવનારી બાબત પણ સામે આવી છે, જો કે, વિઠ્ઠલનગરના દૂષિત પાણી પ્રશ્ને પાલિકા પ્રમુખે તુરત જ ઘટતું કરવા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

બીજી બાજુ મોરબી નગર દરવાજાથી લઈ શાકમાર્કેટ સુધી ગટર ઉભરાવવાની સમસ્યા કાયમી બની છે ત્યારે હાલમાં શકમાર્કેટ પાછળ ગટર ઉભરાતા વેપારીઓને ધંધા રોજગાર કરવા મુશ્કેલ બનતા આજે વેપારીઓનું ટોળું પાલિકા કચેરીએ રજુઆત માટે હલ્લાબોલ કરતા પાલિકા પ્રમુખે તાકીદે કાર્યવાહી કરવા સંબંધિત તંત્રને સૂચના આપી હતી. અને પોતે શાકમાર્કેટની ગટર સમસ્યાનો તાગ મેળવવા પ્રમુખ સ્થળ પર દોડી ગયા હતા. અને ચાર દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવાની ખાતરી આપી હતી.

- text