હળવદના ઉત્તમને બીજો જન્મ આપતા માતા જાગૃતિબેન..વાંચો માંની મમતાની અનોખી મિશાલ

- text


ખેલવા – કૂદવાની ૧૩ વર્ષની ઉંમરે ઉત્તમની કિડની ફેઈલ થતા મધ્યમવર્ગીય પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું : ગુજરાત સરકારનો શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હળવદના પરિવાર માટે ખુશીની સોગાદ લાવ્યો

હળવદ : આ જગતમાં કોઈએ ઈશ્વર, અલ્લાહ, જીજસ, કે અન્ય કોઈ ભગવાન જોયા છે ? જવાબમાં ના જ હશે…પરંતુ મોરબી જિલ્લાના હળવદના ૧૩ વર્ષના ફૂલ જેવા કોમળ ઉત્તમ નામના બાળકે ભગવાનના સાક્ષાત્કાર કર્યા છે અને એ પણ પોતાની માતા રૂપે, નરેન્દ્રભાઈ બાવરવાના ઘરે જન્મેલા ઉતમની કિડની અચાનક જ ફેઈલ થઈ જતા તેમના માતા જાગૃતિબેને કિડનીનું દાન આપી પુત્રને બીજો જન્મ આપ્યો છે, ઉત્તમને નવજીવન મળવાના આ કિસ્સામાં ગુજરાત સરકારની શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો પણ સિંહ ફાળો રહ્યો છે.

હળવદમાં ગેરેજ ચલાવી ઉમા સોસાયટીમાં રાજી ખુશીથી અમે બે અમારા બે ના સૂત્રને સાર્થક કરી બબ્બે પુત્ર રત્ન રૂપી સંતાનો સાથે સુખચેનની જિંદગી જીવતા નરેન્દ્રભાઈ અને જાગૃતિબેનની સુખી જિંદગીમાં પુત્ર ઉત્તમને આવેલી અણધારી કિડનીની બીમારીથી બાવરવા પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ.

એક તો નાની ઉંમરે અને ઉપર જતાં મોંઘીદાટ ડૉક્ટરી સારવાર, ગેરેજ ચલાવી જિંદગી જીવતા બાવરવા પરિવારને દિવસ રાત પુત્ર ઉતમની બીમારીની ચિંતા કોરી ખાતી હતી, અને એમાં ઓન સૌથી મોટી ચિંતા કિડનીના દાતા શોધવાની, ૨૦ થી ૨૫ લાખના ખર્ચને કોઈ પાસે ઉછી ઉધારા કે દાતા નો સહયોગ મળે તો પહોંચી શકાય પરંતુ કિડની મળવી મુશ્કેલ ! પરંતુ કહેવત છે ને માં તે માં અને બીજા વગડાના વા,…પુત્ર ઉત્તમને જન્મ આપનાર માતા જાગૃતિબેન પોતાના પતિ સમક્ષ ઉત્તમને નવજીવન આપવા કિડની દાન આપવા સંકલ્પ કર્યો અને ઈશ્વર કૃપાથી માતા જાગૃતિબેનેની કિડની પુત્ર ઉત્તમ માટે રીતસરનો બીજો જન્મ આપવા સમાન સાબિત થઈ.

- text

સૌથી અગત્યની બાબત તો એ છે કે પુત્ર ઉત્તમને આવી ગંભીર બીમારી આવશે તેવો સ્વપ્નમાં પણ ખ્યાલ ન ધરાવતા બાવરવા પરિવાર નિત્ય કર્મ મુજબ ઉત્તમને શાળાએ મોકલતા હતા પરંતુ અચાનક જ ઉતમનો ખોરાક ઘટી જવો , થાક લાગવો, શરીર ફિકુ પડવા જેવા ચિહ્નો જણાતા ઘર પરિવાર ચિંતિત બન્યો હતો બરાબર આ જ સમયે ગુજરાત સરકારની શાળા આરોગ્ય ચકાસણીમાં ઉતમની બીમારી સમયસર તાલુકા હેલ્થ ઓફિસરના ધ્યાનમાં આવી ગઈ.

વાત આટલેથી જ પૂર્ણ કરવાને બદલે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ઉત્તમને ઉત્તમ સારવાર અને તે પણ જલ્દી થી જલ્દી મળે તેવા પ્રયાસો શરૂ કરી અને ૨૦ થી ૨૫ લાખના ખર્ચે થતું ઓપરેશન પણ સરકારી સહાયથી કરાવી મધ્યમ પતિસ્થિતિ ધરાવતા બાવરવા પરિવાર માટે દર મહિને ૫૦૦૦ નો દવાનો ખર્ચ પણ ગુજરાત સરકાર તરફથી આપવ્યો છે.

આમ, હસવા રમવાની માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં માતાના ત્યાગ બલિદાન અને રાજ્ય સરકારના સહયોગથી ઉત્તમને નવજીવન મળતા હાલ બાવરવા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ સંજોગો માં મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી છે મોરી માત રે.. જનનીની જોડ સખી નહિ મળે…રે..લોલ…કવિતાની પંક્તિ આજે હળવદના ઉત્તમ માટે યથાર્થ સાબિત થઈ છે ત્યારે આજના જમાનામાં જન્મ આપનાર માતા પિતાને ઘડપણમાં તરછોડતા આધુનિક જુવાનિયાએ માતા – પિતાના ત્યાગ બલિદાનને જીવન કુરબાન કરીને પણ ચૂકવી શકાતા ન હોવાનું યાદ રાખવું જરૂરી છે.

- text