હળવદના સરભંડા ગામની માઈનોર કેનાલમાંથી પાણી છોડાતાં ખેડુતો પાયમાલ

- text


માઈનોર કેનાલમાં કરવામાં આવેલ બોગસ કામથી ખેતરો સહિત ગામ સુધી પાણી પહોંચ્યું

હળવદ તાલુકામાં નાના-નાના ગામને જોડતી બનાવેલ માઈનોર કેનાલમાં કરવામાં આવેલ બોગસ કામગીરી છતી થઈ છે ત્યારે પંથકના સરભંડા ગામે આવેલ માઈનોર કેનાલમાંથી પાણી છોડાતાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડુતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે.
રાજય સરકાર દ્વારા ખેડુતોને પાક માટે પુરતું પાણી મળે રહે તેવાં હેતુ સંદર્ભે માઈનોર કેનાલ ખેડુતોના ખેતરો સુધી પહોંચાડવાની વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે પરંતુ હળવદ પંથકમાં બનાવવામાં આવેલ માઈનોર કેનાલમાં બોગસ કામગીરી થયાની ખેડુતોમાં બુમરાડ ઉઠવા પામી છે. એટલું નહીં માઈનોર કેનાલની નબળી કામગીરીના લીધે ખેડુતોના ખેતરોમાં અવારનવાર પાણી ઘુસી જવાના બનાવો બનતા હોય છે જેના કારણે ખેડુતોને પારાવાર નુકશાની ભોગવવી પડતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ તાલુકાના સરભંડા ગામે માઈનોર કેનાલમાંથી છોડવામાં આવેલું પાણી ખેડુતોના ખેતરોમાં ઘુસી જતાં ખેડુતોને ઉભા પાકને નુકશાન થયું છે. અને મહદ્દઅંશે કેનાલના પાણી ખેતરો સહિત આજુબાજુના રહીશોના મકાનોમાં પાણી ઘુસી જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
તદ્દઉપરાંત ખેડુતોને ઘણીવાર પાકના પૂરતા પ્રમાણમાં ભાવ પણ નથી મળતાં ત્યારે “એક સાંધો તો 13 તૂટે” તેવો તાલ સર્જાયો છે અને ખેડુતોએ ખેતરોમાં લીધેલ પાકની મહેનત નિષ્ફળ જતાં ખેડુતો પર માઠી અસર પહોંચી છે. આ બાબતે સરંભડા ગામના સરપંચ શંકરભાઈ કોળીએ જણાવેલ કે માઈનોર કેનાલ બન્યા બાદ કોઈપણ જાતની સાફસફાઈ કર્યા વગર પાણી છોડાતા કેનાલ તુટી ગઈ હતી અને ખેતરોમાં ઘુસી જતાં ખેડુતોને પાકના નુકશાનની ભીતિ સર્જાઈ છે.

- text

આ અંગે હળવદ નર્મદા વિભાગના અધિક મદદનીશ ઈજનેર એમ.જી. રાઠવાએ જણાવ્યું કે, માઈનોર કેનાલમાં પાણીનો પ્રવાહ વધી જતાં કેનાલ તૂટી ગઈ હતી અને ખેતરોમાં પાણી ઘુસી જતાં માઈનોર કેનાલમાં રીપેરીંગ કામ અર્થે હાલ પાણી બંધ કરવામાં આવ્યું છે.

- text