અમદાવાદમાં શિક્ષકોની સ્વાભિમાન રેલીમાં મોરબી જિલ્લામાંથી ૨૦૦૦ જેટલા શિક્ષકો જોડાયાા

મોરબી:રાજ્યના પ્રાથમિક શિક્ષકોના પગાર,પેન્શન,ફિક્સ પગારદાર શિક્ષકોના પ્રશ્નો સહિતની બાબતોને લઈ આજે અમદાવાદમાં શિક્ષકોની મહા સ્વાભિમાન રેલી યોજાઈ હતી જેમાં બે લાખથી વધુ શિક્ષકો ઉમટી પડ્યા હતા એ મહારેલીમાં મોરબી જિલ્લામાંથી ૨૦૦૦ થી વધુ શિક્ષકો જોડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના જુદા-જુદા ૧૨ પ્રશ્નોના નિરાકરણ માટે અનેક રજૂઆતો બાદ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી આખરીનામું આપવામાં આવ્યું હતું અને તા.૧૧ થી ૧૪ ઓક્ટોબર કાળીપટ્ટી ધારણ કરી શિક્ષકો દ્વારા સરકારની નીતિ સામે વિરોધ કરવામાં આવ્યો હતો આમ છતાં સરકારે શિક્ષકોની અવગણના કરતા આજે રાજ્યભરમાંથી અંદાજે દોઢથી બે લાખ શિક્ષકો અમદાવાદમાં ઉમટી પડ્યા હતા અને વિશાળ સ્વાભિમાન રેલી યોજી સરકારની ઊંઘહરામ થઈ જાય તેવી એકતા બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષ પટેલની આગેવાની હેઠળ યોજાયેલ આ રેલીમાં મોરબી જિલ્લામાંથી અંદાજે ૨૦૦૦થી વધુ શિક્ષકો જોડાયા હતા અને રાજ્યભરના તમામ જિલ્લામાંથી હજાર-હજાર જેટલા શિક્ષકો જોડતા પ્રાથમિક શિક્ષક સંઘની આ સ્વાભિમાન રેલીમાં દોઢથી બે લાખ જેટલા શિક્ષકો જોડાયા હતા.
આમ,હવે ચૂંટણી સમયે જ સમાજના અતિ સમજુવર્ગના શિક્ષકોએ સરકાર સામે ખુલમખુલ્લાં મોરચો મંડતા નવા જુનીના એંધાણ મળી રહ્યા છે.