ટંકારામાં ધોધમાર 3.5 ઇંચ વરસાદથી ચારેય કોર પાણી પાણી

ટંકારા : આ વર્ષે મેઘરાજાએ ટંકારામાં મુકામ કરી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડવા કમર કસી હોય તેમ આજે ફરીથી બપોરે ટંકારામા ધોધમાર 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સરકારી આંકડા મુજબ ટંકારામા બપોર ના 12 થી 2 વાગ્યા સુધીમાં 83 મિમિ વરસાદ પડ્યો હતો. ટંકારા પંથકમાં એક કલાકમાં જ 3.5 ઇંચ વરસાદ પડતા ચારેકોર પાણી પાણી થઇ ગયું હતું. અને નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા હતા. જયારે ટંકારામાં ભારે વરસાદના પગલે ડેમી 2 ડેમના 5 દરવાજા 3 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. અને ડેમ માંથી 10900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટંકારા ઉપરાંત આજે સવારના 7 વાગ્યા થી હળવદમાં 4 મિમિ અને માળિયામાં 7 મિમિ વરસાદ નોંધાયો હતો. જયારે આજે હજુ મોરબી અને વાંકાનેર કોરાધાકડ રહ્યા હતા.