ફાધર્સ ડે : ૧૨૦ દીકરીઓના પિતા તરીકેની ફરજ નિભાવતા મોરબીના ભરતભાઈ..

- text


દસ દીકરીઓને ભણાવી ગણાવી સ્વનિર્ભર રહેવા માટે વ્યાવસાયલક્ષી જ્ઞાન આપી ધામ ધૂમથી લગ્ન કરાવ્યાં

મોરબીની વિકાસ વિધાલયના મેનેજર ૧૨૦ દીકરીઓના પિતા બનીને તેમનું કાળજીપૂર્વક કરે છે જતન

મોરબી : સામાન્ય રીતે કોઈ પણ સંસ્થામાં કામ કરતાં અધિકારીઓ માત્ર ઓફીસ વર્ક પર જ ધ્યાન આપતા હોય છે. અને નોકરીમાં ક્યારે રજા મળે તેની રાહ જોતા હોય છે. ત્યારે મોરબીના (વિકાસ વિધાલય) અનાથ આશ્રમનાં મેનેજરે કામને પૂજાનું સ્થળ બનાવ્યું અને સંસ્થામાં આવતી દીકરીઓનું એવી રીતે જતન કર્યું કે, મોટા ભાગની દીકરીઓ આજે તેમને પિતા તરીકે સબોધન કરે છે. અનાથ આશ્રમની ૧૨૦ દીકરીઓનાં પિતા બનેલા મેનેજર પુત્રીઓનાં શિક્ષણ સહિત સર્વાંગી વિકાસ માટે પોતાની જાત ઘસી નાખી છે. તેઓ આશ્રમની દીકરીઓની સાર સંભાળ માટે ૨૪ કલાક તત્પર રહે છે. આમ દીકરીઓની પિતા તરીકેની ફરજ નિભાવવા માટે તેમને જાતને સાચવવાનું પણ ભાન રહેતું નથી.
સામાંકાઠાનાં શોભેશ્વર રોડ ઉપર આવેલા અનાથ આશ્રમમાં ૬૨ વર્ષનાં ભરતભાઈ છગનભાઈ નિમાવત ૧૯૮૨ની સાલથી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમના પત્ની આ આશ્રમમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવે છે. ૨૦૦૪ની સાલમાં ભરતભાઈ કોઈ કારણસર આશ્રમમાંથી નીકળી ગયા હતા. ૨૦૧૩ થી ફરી આશ્રમમાં મેનેજર તરીકે સેવા આપી રહ્યાં છે.. જેઓ સંસ્થામાં આવતી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ૨૪ કલાક ખડેપગે રહે છે. હાલમાં તેમની સંસ્થામાં ૪ વર્ષથી માંડીને ૧૮ વર્ષ સુધીની ૧૨૦ દીકરીઓ આશ્રય લઇ રહી છે. જેઓ દીકરીઓની તમામ જવાબદારી સારી રીતે નિભાવે છે. તેઓ વહેલી સવારે ૫:૩૦ વાગ્યે ઉઠીને તમામ દીકરીઓને નાસ્તા પાણી કરાવી સવારની સ્કુલની દીકરીઓને શાળાએ મોકલી આપે છે. ત્યાર બાદ ૯ વાગ્યે બીજો રાઉન્ડ મારી અન્ય દીકરીઓને નાસ્તા આપીને બપોરની સ્કુલ હોય એવી દીકરીઓને સ્કુલે મોકલે. તેમજ ભોજન અંગે કંઈ વાંધાજનક નથી તેની પણ સાવચેતી રાખે છે. ત્યાર બાદ બધી દીકરીઓ સાથે મળી ભોજન આરોગે છે. દીકરીઓ શાળાથી પરત ફરે ત્યારે રસ્તામાં કોઈ સમસ્યા થઇ નથી તેની જાણકારી લે છે અને જો કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ પણ લાવી આપે છે. રોજ રાતે દીકરીઓ સાથે હસી મજાકની વાતચીત કરીને સુખ દુખની વાતો કર્યાં પછી ૧૧:૩૦ એ બધી દીકરીઓને સુવડાવી દે છે. અહી દીકરીઓને શિક્ષણની સાથે સીવણ અને બ્યુટી પાર્લરની પણ તાલીમ અપાવે છે. તેમજ જુદી જુદી રમત રમાડી તેમની સુશુપ્ત શક્તિને પણ ખીલવે છે. તેમના પ્રયાસ થકી ઘણી દીકરીઓ રમત ગમત , ડાન્સ અને સંગીતના ક્ષેત્રમાં પણ આગવું પ્રદાન જોવા મળે છે. આમ ભરતભાઈ તમામ દીકરીઓને પિતા જેવી લાગણી આપી છે.તેથી બધી દીકરીઓ તેમને પપ્પા કહીને બોલાવે છે. ત્યારે ભરતભાઈને આ દીકરીઓ માટે કંઈક સારું કાર્ય કર્યાનું ગૌરવ થાય છે. દીકરીઓને ક્યારે પિતાની ખોટ સાલવા નથી દીધી. આમ આશ્રમમાં રહેતી 20 જેટલી દીકરીઓને માતા પિતા નથી આથી ભરતભાઈ ક્યારે પણ દીકરીઓને માતા પિતાની ખોટ સાલવા નથી દીધી. દીકરીઓને શિક્ષણની સાથે જીવનરૂપી સંસ્કાર આપ્યા છે અને તમામ દીકરીઓને રસોઈ અને ગૃહકાર્ય કરવામાં પણ પારંગત કરી છે. એક પણ દીકરી આશ્રમમાંથી ભાગી નહિ. ત્યારે ૧૨૦ દીકરીઓના પિતા તરીકે ફરજ નિભાવતા મોરબીના ભરતભાઈ નિમાવતને આજે ફાધર્સ ડે નિમિતે મોરબી અપડેટ સલામ કરે છે.

 

- text