મોરબી : રવાપર ગામની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ને ચક્કાજામ

- text


દસ દિવસથી પાણી ન મળતા મહિલાઓ ગ્રામપંચાયત કચેરી ઘસી ગઈ : ગ્રામપંચાયત કચેરીએ કોઈ અધિકારી હાજર ન મળતા વિફરેલી મહિલાઓએ ચક્કાજામ કર્યો : પોલીસે મામલો થાળે પાડ્યો

મોરબી : રવાપર ગામે આવેલી સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પાણી ન આવતાં સોસાયટીની મહિલાઓ વિફરી હતી. આ સમસ્યાની રજૂઆત કરવા માટે રવાપર ગ્રામ પંચાયત કચેરીએ ઘસી ગઈ હતી. પરંતુ ત્યાં તેમની રજૂઆત સાંભળવાવાળું કોઈ હાજર ન હોવાથી રોષે ભરાયેલી મહિલાઓના ટોળાએ પોણા કલાક સુધી રવાપર ચોકડી ખાતે રસ્તો ચક્કાજામ કરી દીધો હતો. અંતે પોલીસે ઘટનાસ્થળે જઈને મામલો થાળે પાડ્યો હતો.
રવાપર ગામે આવેલી નીતિન પાર્ક સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પાણી આવતું ન હોવાથી રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું રવાપર ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા દોડી ગયું હતું. સરપંચ બહારગામ હતા અને અન્ય કોઈ કર્મચારી હાજર ન હોવાથી રજૂઆત સાંભળવાવાળું કોઈ ન હોવાથી દસ દિવસથી પાણી પ્રશ્ને હાલાકી ભોગવતી મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરીને રવાપર ચોકડી ખાતે ઘસી જઈને રસ્તો ચક્કાજામ કર્યો હતો. જેના કારણે અફડાતફડી મચી ગઈ હતી. ક્રોધે ભરાયેલી મહિલા પાણી આપો નારા સાથેનો પોકાર કરી પાણી પ્રશ્ને જવાબદાર તંત્રની બેદરકારી અંગે હૈયાવરાળ ઠાલવીને ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. મહિલાઓ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પાણી તદ્દન આવતું નથી તેથી પાણી માટે જ્યાં ત્યાં વલખા મારવા પડે છે. મહિલાઓની પાણી પ્રશ્ને સમસ્યા સાંભળવાવાળું કોઈ ન હોવાથી અંતે આ જલદ કાર્યક્રમ આપવો પડ્યાનું જણાવ્યું હતું. જો કે ચક્કાજામ કરનાર મહિલાઓ અને વાહનચાલકો વચ્ચે રકઝક થઇ હતી. પોણી કલાક સુધી ચક્કાજામ રહ્યા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને રોષે ભરાયેલી મહિલાઓને શાંત પાડી રસ્તો ચાલુ કરાવ્યો હતો.⁠⁠⁠⁠

- text