મોરબીના ખેલપ્રેમીઓમાં ભારત-પાક. ફાઈનલ મેચને લઈ રોમાંચ અને ઉત્સાહ

- text


ક્રિકેટનો સેમી વર્લ્ડ કપ ગણાતી ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીતે એ માટે અનેક જગ્યાએ પ્રાર્થના અને માનતા : હાઈ વોલ્ટેજ મુકાબલાની હાર-જીત પર કરોડો ક્રિકેટ પ્રેમીઓની ભાવના અને દેશ સમ્માન નિર્ભર

મોરબી : ભારત પાકિસ્તાન સંબંધોની સીધી અસર રમતગમત ક્ષેત્રે ક્રિકેટમાં જોવા મળે છે. ભારત દેશમાં જ્યાં ક્રિકેટ એ ધર્મ સમાન હોય કરોડો ક્રિકેટ પ્રેમીઓની ભાવના આ ખેલ સાથે જોડાઈ છે. હાલમાં ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઈનલમાં સ્થાન જમાવી ચૂક્યું છે ત્યારે ફાઈનલની જંગમાં ભારત સામે મુકાબલામાં તેની કટ્ટર હરીફ ટીમ પાકિસ્તાન છે આથી આ હાઈવોલ્ટેજ મેચ અંગે મોરબી જિલ્લાનાં ખેલ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચનું વાતાવરણ જોવા મળ્યું છે. ક્રિકેટનાં સેમી વર્લ્ડ સમાન ગણાતી ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીતે એ માટે અનેક જગ્યાએ પ્રાર્થના અને માનતા થતી જોવા મળી છે તો બીજી તરફ આ હાઈ વોલ્ટેજ મુકાબલાની હાર-જીત કરોડો ક્રિકેટ પ્રેમીઓની ભાવના અને દેશ સમ્માન સાથે સંબંધ ધરાવે છે. ભારત પાકિસ્તાન ફાઈનલ જંગ રવિવારનાં રોજ હોવાથી મોરબી જિલ્લાવાસીઓએ આ મુકાબલો પોતાના પરિવાર અને મિત્રવર્તુળ સાથે મોટી ટીવી સ્ક્રીન પર જોવાનું આયોજન કર્યું છે. જેમાં ફેક્ટરી, ફાર્મ હાઉસ અને સોસાયટીમાં ક્રિકેટ પ્રેમીઓએ પ્રોજેક્ટર પર સમૂહમાં મેચ નિહાળવાનું આયોજન કર્યું છે.
અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફીનાં લીગ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું ત્યારે ફરી એક વખત ફાઈનલ મેચની જંગમાં એકતરફી જીત મેળવી ભારત પાકિસ્તાનને તેની ઔકાદ બતાવશે. અગાઉ પણ ઈન્ટરનેશનલ મેચોમાં છેલ્લાં એક દસક દરમિયાન ભારત સાથે પાકિસ્તાનની સતત હાર થઈ હોય ભારતીય ટીમે માનસિક રીતે મેચ પૂર્વે જીત મેળવી છે. હવે બસ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાનને શર્મનાક હાર આપશે તેની ક્રિકેટ પ્રેમીઓમાં રાહ જોવાઈ રહી છે. મોરબી અપડેટ તરફથી ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન સમક્ષ જીત મેળવે એ બદલ ઓલ ધી બેસ્ટ…

- text

 

- text