મોરબી : સદી જૂની વીસી હાઈસ્કૂલને જીવંત બનાવવા વિદ્યાદાનનો સરસ્વતી યજ્ઞ

- text


વીસી હાઈસ્કૂલનાં પટ્ટાવાળાથી પ્રિન્સિપાલ સરકારી શાળાને શ્રેષ્ઠતમ બનાવવા કટિબદ્ધ

મોરબી : વીસી ટેક્નીકલ હાઈસ્કુલમાં છેલ્લાં કેટલાક સમયથી શિક્ષણપ્રથા ખાડે જતા આ શાળાને ફરી વેગવંતી બનાવવા નવયુવા આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાદાનની કામગીરી શરુ કરવામાં આવી છે. સદી જૂની વીસી હાઈસ્કૂલમાં નવનિમણુક પામેલા શૈક્ષણીક સ્ટાફે સરકારી શાળાને ખાનગી શાળા કરતાં પણ શ્રેષ્ઠતમ અને ઉચ્ચતમ બનવવાની દિશામાં કાર્ય શરુ કરી નિરંતર અભ્યાસ સહિત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રક્રિયા હાથ ધરી દીધી છે.
મોરબીની મધ્યમાં આવેલી ૧૨૫ વર્ષ જૂની વખ્તુબા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી. ટેક્નીકલ સરકારી હાઈસ્કૂલમાં દાયકાથી શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી હતી. એક સમયે મોરબીની ધોરણ ૧૨ સુધીની શ્રેષ્ઠ સરકારી મહાશાળામાં ગણના થનારી વી.સી. હાઈસ્કૂલ ધીમેધીમે પોતાની શાખ અને શિક્ષણ પદ્ધતિમાં હથોટી ગુમાવતા વિદ્યાર્થી સંખ્યા પણ ગુમાવી હતી. પાછલા વર્ષોમાં આ શાળાને જાણે બંધ થવાનો સમય આવ્યો એવું લાગ્યું પણ ત્યાં જ વી.સી. હાઈસ્કૂલમાં નવા પ્રિન્સિપાલ અને શિક્ષકોની નિમણુક કરાતા જાણે આ શાળાને નવજીવન મળ્યું છે. જેણે વિદ્યાદાનનું ભગીરથ કાર્ય શરુ કરી હાઈસ્કૂલને ખાનગી શાળા સમકક્ષ લાવવા પ્રયત્નો શરુ કર્યા છે.
આચાર્ય બી.એમ. વિડજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે શાળામાં ૪૪ શિક્ષકો સહિત કુલ ૬૨ વ્યક્તિઓનો સ્ટાફ છે. જેમાં મારા માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર કિન્નરીબેન, મધુબેન ગોહિલ તથા સાયન્સનાં શિક્ષકોની ટિમ પી.એમ.વાસદડીયા, એમ.પી. બાંભવા, એ.આર. તન્ના, એન.એન. પૈજા, સહિતનાં શિક્ષકોઓએ ધોરણ ૮થી ૧૨નાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક, ગણવેશ વિતરણ સાથે વાંચનાલય, વર્ગખંડ અને હવાઉજાસવાળા મનોરમ્ય સી.સી. ટીવી કેમ્પસનું નિર્માણ કરી આ શાળાને દરેક રીતે સ્વચ્છ, સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનાં પ્રયત્ન શરુ કર્યા છે. આ ઉપરાંત શાળાનાં બાળકોને સર્વાંગી અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે અમો કટિબદ્ધ હોય અવારનવાર કારકિર્દીલક્ષી સેમિનાર અને ઈત્તરપ્રવૃતિઓનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. જેથી વિદ્યાર્થી દરેક વિષયમાં રસ લેતો બની તેનું અને શાળાનું પરિણામ ઊંચું આવે.
આમ, સો વર્ષથી વધુ જૂની અને ઐતિહાસિક વી.સી. હાઈસ્કૂલને જાણે નવા શૈક્ષણીક સ્ટાફથી નવજીવન મળ્યું હોય તેમ વ્હાલીઓ પણ જે શાળામાં ભણી મોટા થયા એ શાળામાં તેના સંતાનને ભણાવી શ્રેષ્ઠ શિક્ષણ અપાવી શકશે તેવી આશા જીવંત બની છે.

- text