ટંકારા : સિંચાઈ વિભાગની પેટા કચેરી સાથે સરકારી કચેરીમાં પૂરતા સ્ટાફની જગ્યા ભરવા રજૂઆત

- text



સરકારી કચેરીઓમાં પ્રજાનો સૂર અને સમસ્યા સાંભળવા કર્મચારીઓની અછતએ ટંકારાને પછાત ગામ સાબિત કર્યું

મોરબી : જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યાલય મંત્રી કાન્તિલાલ ડી. બાવરવાએ સિંચાઈ સચિવ શ્રી, નર્મદા અને જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગને ટંકારા તાલુકાને અન્યાય દૂર કરી સિંચાઈ વિભાગની પેટા વિભાગ કચેરી આપવા બાબતે અરજી કરી જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ટંકારાને તાલુકો જાહેર કરેલ છે. પરંતુ તાલુકા કક્ષાએ હોવી જોઈએ તેવી સુવિધાનો સદંતર અભાવ છે. હાલમાં તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીની જે કચેરીઓ આવેલી છે તેમાં સ્ટાફની ખુબ જ મોટા પાયે ઘટ છે. લોકોના નાના નાના કામો માટે પણ ધક્કા ખાવા છતાં થતા નથી. લોકો પરેશાન થાય છે. આમાં વધારો થતો હોય તેમ સૌની યોજનાની પાઈપલાઈનનાં કામોમાં પણ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવેલ ન આવતા અન્યાય થયો છે.
આ ઉપરાંત ટંકારા તાલુકામાં અન્ય તાલુકાની સરખામણીમાં  સિંચાઈના  નાના નાના  ડેમો વધારે આવેલ હોવા છતાં ટંકારા તાલુકો જાણે ધણી ધણીયાણી વગરનો ઓરમાયો હોય તેમ અન્ય તાલુકાની સરખામણીમાં એક પણ સિંચાઈની ઓફીસ આવેલી નથી. જેના કારણે ખેડૂતોને અન્ય શહેરમાં પોતાના કામો માટે જવું પડતા તેઓ હેરાન પરેશાન થાય છે. આથી માંગણી છે કે, ટંકારા ખાતે સિંચાઈ ખાતાની એક પેટા વિભાગીય કચેરી ખોલવામાં આવે અને ટંકારા તાલુકાને થતો અન્યાય દૂર કરવામાં આવે. જેથી ખેડૂત વર્ગને થતી પરેશાની દૂર થઈ એ પોતાના અન્ય કામો કરી શકે. સાથેસાથે ટંકારામાં જ સિંચાઈને લગતા કામો થાય તો આ બાબતે યોગ્ય સિંચાઈની કચેરી મંજૂર કરવા અમારી નમ્ર અપીલ છે. એવું કાન્તિલાલ ડી. બાવરવાની યાદીમાં જણાવાયું છે.

- text