મોરબીના શોભેશ્વર રોડ ઉપર અંતે તંત્રએ અંધારા ઉલેચ્યા : 25 નવી લાઈટો નખાઈ

 

સ્થાનિક લોકોની રજુઆત બાદ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની સૂચનાથી રોશની વિભાગે લાઈટનો પ્રશ્ન હલ કર્યો : એક મુસ્લિમ કર્મચારીએ ઇદના દિવસે પણ પોતાની ફરજ નિભાવી

મોરબી : મોરબીના સામાકાંઠે જૂની કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર તરફના માર્ગ ઉપર લાઈટનો ગંભીર પ્રશ્ન હતો.જેમાં સ્ટ્રીટ લાઈટ ન હોવાથી સ્થાનિક લોકોને અને હાલમાં શ્રાવણ માસમાં શોભેશ્વર મંદિરે દર્શને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.આ લાઈટના પ્રશ્નની રજુઆતને પગલે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની સૂચનાથી પાલિકાના રોશની વિભાગ દ્વારા શોભેશ્વર રોડ પરના લાઇટના પ્રશ્નને હલ કરીને 25 નવી લાઈટો નાખીને ચાલુ કરી દેવામાં આવી છે.જેથી સ્થાનિકોને મોટી રાહત થઈ છે.

મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે ઉપર કુબેર ટોકીઝથી શોભશ્વર મંદિર સુધીના એક કિમીના માર્ગ ઉપર છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સ્ટ્રીટ લાઈટનો ગંભીર પ્રશ્ન હતો.જેમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ ન હોવાથી અંધારપટને કારણે રાત્રીએ સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી.તેથી સ્થાનિકોની આ માંગણીને ધ્યાને લઈને ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ પાલિકાના રોશની વિભાગને કુબેર ટોકીઝથી શોભશ્વર મંદિર સુધીના એક કિમીના માર્ગ પર લાઈટનો પ્રશ્ન હલ કરવાની સૂચના આપી હતી.આથી પાલિકાના રોશની વિભાગના એસ.કે.પાટીલ, સોયેબ જીદાણી, રમેશભાઈ મહાલીયા સહિતના સ્ટાફે આ બાબતની ગંભીરતાને લઈને તાત્કાલિક ધોરણે આજે શોભેશ્વર રોડ ઉપર નવી 25 જેટલી લાઈટો નાખીને ચાલુ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ,પાલિકાના કર્મચારી સોયેબ જીદાણીએ ઇદનો તહેવાર હોય અને રજા ઉપર હોવા છતાં પોતાની ફરજને અગ્રતા આપી હતી અને શોભેશ્વર રોડ ઉપર વર્ષો જુના લાઇટના પ્રશ્નને હલ કરવા માટે પોતાની ઉમદા ફરજ નિભાવી હતી.તેઓએ ખાસ્સો સમય સુધી આ સ્થળે લાઈટ નાખવાની કામગીરી કરીને એક ફરજનિષ્ઠ કર્મચારી હોવાનું પુરવાર કર્યું હતું.એકંદરે પાલિકા તંત્રની જહેમતના અંતે આ વિસ્તારમાં લાઈટનો પ્રશ્ન હલ થતા સ્થાનિકોએ રાહત અનુભવી છે.