ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર અને પુત્રવધુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ધારાસભ્ય કગથરા અને તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

ટંકારા : ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના સભ્યો કોરોનાથી સક્રમિત થયા છે. જેમાં લલિત કગથરાના પુત્ર અને પુત્રવધુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે લલિત કગથરા અને તેમના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે ધારાસભ્યના કૌટુંબિક પરિવારના 70 સભ્યોમાંથી અત્યાર સુધીમાં 22 સભ્યો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના ધારાસભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત કગથરાના પુત્ર અને પુત્રવધુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે લલિતભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ તેમના પુત્ર અને પુત્રવધુની સારવાર ઘરે જ ચાલી રહી છે. અને તેમની તબિયત એકદમ સારી છે. જ્યારે મળતી માહિતી મુજબ ધારાસભ્ય લલિત કગથરા અને તેમના પત્નીના પણ કોરોના રિપોર્ટ કરાવામાં આવ્યા હતા. જે નેગેટીવ આવ્યા છે. લલિત કગથરા હાલ ટંકારા પાસેની તેમની ફેક્ટરીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ચર્ચાતી વિગત મુજબ ધારાસભ્ય કગથરાના કૌટુંબિક પરિવારના 70 સભ્યોમાંથી અત્યાર સુધીમાં 22 સભ્યો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે.