વરસાદી વાતાવરણમાં વીજળીથી થતા નુકશાનથી બચવા શું કરવું : જિલ્લા કંટ્રોલરૂમે આપી જાણકારી

- text


મોરબી : ભારે વરસાદના સમયે આકાશ કાળાડિબાંગ વાદળોથી છવાયેલું હોય ત્યારે વીજળી પડવાના જોખમને લઈને એ પરિસ્થિતિમાં શું-શું સાવધાની રાખવી જોઈએ એ અંગે જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા નાગરિકોની જાણકારી માટે માહિતી જાહેર કરી છે.

સામાન્ય રીતે ભૂકંપ અને વીજળી પડવા જેવી કુદરતી ઘટનાઓની આગોતરી જાણકારી મેળવી શકાતી નથી. આવા સંજોગોમાં અગમચેતી એ જ બચાવનો ઉપાય છે. જિલ્લા કન્ટ્રોલરૂમ દ્વારા નાગરિકો માટે વીજળી પડવા જેવા સંજોગો સર્જાય ત્યારે કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ એ અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ, જો ઘરની અંદર હોઈએ ત્યારે ઇલેક્ટ્રિસિટીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું, વાયર વડે ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો અને બારી, બારણાં અને છતથી દૂર રહેવું જોઈએ. વીજળીના વાહક ધાતુઓની બનેલી તમામ ચીજ-વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જેમ કે ધાતુથી બનેલા પાઇપ, નળ, ફુવારો, વોસબેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું જોઈએ.

જયારે ઘરની બહાર હોઈએ ત્યાર, ઊંચા વૃક્ષો, ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળવું જોઈએ. ટોળામાં રહેવાને બદલે છુટાછવાયા ઉભા રહેવું જોઈએ. મુસાફરી કરતા સમયે વાહનની અંદર જ રહેવું હિતાવહ છે. ખાસ કરીને મજબૂત છત વાળા વહાનોમાં આશ્રય લેવો જોઈએ. ધાતુઓની વસ્તુનો ખુલ્લામાં ઉપયોગ ન કરવો, જેમ કે, બાઈક. ઇલેક્ટ્રિક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ અને મશીનરીથી દૂર રહેવું જોઈએ. પુલ, તળાવ અને જળાશયોથી દૂર રહેવું જરૂરી છે. પાણીમાં હોઈએ તો બહાર આવી જવું હિતાવહ છે.

- text

જો માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટી થાય, ત્યારે નીચે નમીને કાન ઢાંકી દેવા. આવું થાય ત્યારે સમજવું કે તમારી આસપાસ વીજળી ત્રાટકવાની તૈયારી છે. આવા સંજોગોમાં જમીન પર સૂવું નહીં અથવા જમીન પર હાથ ટેકવવા નહી. જો કોઈ વ્યક્તિને વીજળીનો ઝાટકો લાગે તો કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપવો જોઈએ અને ત્યાર બાદ તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર ઉપલબદ્ધ કરાવવી જોઈયે. આ માટે જિલ્લા કંટ્રોલરૂમ ફોન નંબર 1077 કે રાજ્ય કંટ્રોલરૂમના ફોન નંબર 1070 પર સંપર્ક કરવો. મોબાઈલથી સંપર્ક કરવા માટે ડીસ્ટ્રીક કોડ જોડવો.

- text