પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો કમરતોડ સાબિત થશે : કોંગ્રેસ આગેવાન

મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ 12 દિવસથી સતત પેટ્રોલ-ડીઝલમાં દરરોજ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. પાછલા 12 દિવસથી આ ભાવ વધારો સતત ચાલુ છે. જૂન મહિનામાં જ પેટ્રોલ-ડીઝલમાં લિટરે 5 રૂપિયા કરતા વધુનો ભાવ વધારો થતા કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ શરૂ કર્યો છે, ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા પણ આ ભાવ વધારાનો સતત વિરોધ થઈ રહ્યો છે.

80 કરતા વધુ દિવસ સુધી રહેલા લોકડાઉન ને લઈને શ્રમિક અને મધ્યમવર્ગના લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. હજારોની સંખ્યામાં લોકોએ નોકરી ગુમાવી છે. ત્યારે હવે જનજીવન ધીમે ધીમે થાળે પડતું જાય છે એવા સમયે સરકારે પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવ વધારો કરી લોકોની કમર તોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા મોંઘવારીમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નાના ગામડાઓમાં એસટીની પૂરતી સગવડ નથી ત્યારે લોકો ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા છે. ખાનગી વાહન ચાલકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોવાથી ઓછા પેસેન્જરો બેસાડે છે ત્યારે આમ પણ વધુ ભાડું વસુલતા હતા, જયારે હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ રીક્ષા, છકડા, ઈક્કો જીપ સહિતના પેસેન્જર વાહન ચાલોકોએ ભાડું વધારી દીધું હોય સામાન્ય નાગરિકને બેવડો માર પડી રહ્યો હોવાનો જિલ્લા કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પ્રમુખ મનસુખભાઇ રબારીએ અવાજ ઉઠાવ્યો છે. અંતમાં આ ભાવ વધારો પરત ખેંચવાની તેઓએ માંગ કરી છે.