મોરબીના પેન્ડિંગ વિવિધ કામો ઝડપથી શરૂ થાય તે માટેના પ્રયાસો ચાલુ છે : બ્રિજેશ મેરજા

- text


મોરબી : મોરબી-માળીયા (મીં.)ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી-માળીયા (મીં.) વિસ્તારને સ્પર્શતા જુદા-જુદા પ્રશ્નો અંગે જે તે સમયે કરેલ રજૂઆતના સંદર્ભે ગાંધીનગર ખાતે સચિવાલયમાં નાણાં, કાયદો, માર્ગ-મકાન અને શિક્ષણ વિભાગમાં ફોલોઅપ કરીને કામોના અમલીકરણ માટે ખાસ પ્રયાસ હાથ ધર્યો હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

આ અંગે બ્રિજેશ મેરજાએ એક યાદીમાં જણાવ્યું હતું કે મોરબીમાં નવા ન્યાય સદન માટે રૂ. 32 કરોડના રિવાઈઝના નકશા અંદાજે રૂ. 38 કરોડ સુધી મંજૂર થાય તે માટે પ્રયાસ કર્યો છે. સાથોસાથ મોરબી શહેરના નાની વાવડી અને ઉમિયા સર્કલના મંજૂર કરાવેલ રોડની કામગીરી પણ ચાલુ કરવાનો આગ્રહ સેવતા આ બંને રોડના કામો ચાલુ કરાવી દેવાયા છે. જેથી કરીને મોરબી શહેરના વાવડી રોડના નાગરિકોને રસ્તાની સુવિધા ઝડપભેર ઉપલબ્ધ થાય અને હાલ પડી રહેલ હાડમારીનો સત્વરે નીકાલ આવે. સરકારી આવાસ માટે જિલ્લા સેવા સદન સામે રૂ. 32 કરોડના ખર્ચે નવા આવાસો બાંધવાના કામને પણ ટોચ અગ્રતા આપીને મંજૂર કરાયેલ છે.

સાથોસાથ માળીયા (મી.) તાલુકાના મોટી બરાર ગામની મોર્ડન સ્કૂલ કે જે માર્ગ–મકાન અને શિક્ષણ વિભાગ હસ્તકની સોંપણી તાકીદ કરીને આ મોર્ડન સ્કૂલના ખૂટતા કામો પૂરા કરવા પણ વહીવટી મંજૂરી મળેલ છે. સાથોસાથ નાની બરાર ગામની સરકારી હાઇસ્કૂલ માટે બજેટમાં અગાઉ મંજૂર કરેલ રકમમાં પણ ખાસ્સો વધારો કરાવી રૂ. 2 કરોડ, 88 લાખના રિવાઈઝ નકશા અંદાજે ચીફ આર્કિટેક પાસેથી મંજૂર કરાવી શિક્ષણ વિભાગમાં બજેટેડ આઈટમ તરીકે લેવાયેલા કામને વહીવટી મંજૂરી મળવામાં છે. ગુજરાત વિધાનસભામાં મોરબીના સિરામિક ઉદ્યોગને ધ્યાને લઈ એર સ્ટ્રીપ સુવિધા પણ રૂ. 40 કરોડના ખર્ચે મળવાનો જે પ્રશ્ન ઉઠાવેલ તેની પણ નક્કર કાર્યવાહી હાથ ધરાઇ છે.

- text

તદુપરાંત, માળીયા (મીં.) ખાતે તાલુકા સેવા સદન રૂ. 3 કરોડના ખર્ચે બાંધવા અને તેમાં ટ્રેઝરી તેમજ સબ રજીસ્ટાર કચેરીને પણ સલગ્ન કરવા માર્ગ-મકાન વિભાગ સાથે તજવીજ હાથ ધરી હોવાનું પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.

હાલ બ્રિજેશ મેરજાના ધારાસભ્ય પદેથી રાજીનામામાં મુદ્દે અમુક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બ્રિજેશ મેરજાએ મોરબીના વિવિધ વિકાસના કામો અંગે ફોલોઅપ લઈ રહ્યાનું જણાવી પોતે મોરબીના પ્રશ્નો બાબતે સક્રિય હોવાનો સંદેશો પાઠવવાનો પ્રયાસ કર્યો છે.

- text