ગુજરાતમાં સાયન્સ સ્ટ્રીમના પરિણામમાં સતત બીજા વર્ષે બીજા ક્રમે મોરબી જિલ્લો

- text


હળવદ કેન્દ્રનું 90.06%, મોરબી કેન્દ્રનું 80.09%, વાંકાનેર કેન્દ્રનું 80.57% મળી સમગ્ર મોરબી જિલ્લાનું 82.41% પરિણામ

મોરબી : ગુજરાત સેકન્ડરી તથા હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)નું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું છે. મોરબી જિલ્લામાં 82.41% પરિણામ આવ્યું છે. જેથી, મોરબી જિલ્લાએ રાજ્યમાં સતત બીજા વર્ષે બીજો ક્રમ જાળવી રાખેલ છે. તેમજ મોરબી જિલ્લાના તમામ પરીક્ષાર્થીઓ પૈકી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ છે.

- text

મોરબી જિલ્લાના સાયન્સ સ્ટ્રીમના પરિણામની આંકડાકીય માહિતી જોઈએ. તો હળવદ કેન્દ્રમાં પરીક્ષા આપેલ કુલ 473 પરીક્ષાર્થીઓ પૈકી 426 પરીક્ષાર્થીઓ પાસ અને 47 પરીક્ષાર્થીઓ નાપાસ થયા છે. તેથી, હળવદ કેન્દ્રમાં 90.06% પરિણામ આવેલ છે. મોરબી કેન્દ્રમાં પરીક્ષા આપેલ કુલ 1366 પરીક્ષાર્થીઓ પૈકી 1094 પરીક્ષાર્થીઓ પાસ અને 274 પરીક્ષાર્થીઓ નાપાસ થયા છે. તેથી, મોરબી કેન્દ્રમાં 80.09% પરિણામ આવેલ છે. વાંકાનેર કેન્દ્રમાં પરીક્ષા આપેલ કુલ 247 પરીક્ષાર્થીઓ પૈકી 199 પરીક્ષાર્થીઓ પાસ અને 49 પરીક્ષાર્થીઓ નાપાસ થયા છે. તેથી, વાંકાનેર કેન્દ્રમાં 80.57% પરિણામ આવેલ છે. આમ, મોરબી જિલ્લામાં કુલ 3 કેન્દ્રો પર કુલ 2086 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 1719 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. અને 370 પરીક્ષાર્થીઓ નાપાસ થયા છે. અને મોરબી જિલ્લાનું 82.41% પરિણામ આવેલ છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં વિદ્યાર્થીઓ માત્ર પરિણામની ઓનલાઇન પ્રિન્ટ મેળવી શકશે. વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવા અંગેની તારીખ આગામી દિવસોમાં જાહેર થશે. આ ઝળહળતું પરિણામ જાળવી રાખવા બદલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને અને વિજ્ઞાન પ્રવાહની તમામ શાળાઓ અને શિક્ષકગણને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવેલ છે.

- text