મોરબી : લોકડાઉનમાં GCERTના માધ્યમથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ ઉપલબ્ધ

- text


મોરબી : કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત વર્તમાન સમય સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય માટે વિપરીત અને પ્રતિકૂળ છે ત્યારે હાલ લોકડાઉન લાગુ હોવાથી તમામ પ્રાથમિક શાળાઓમાં ગત 16 માર્ચથી અનઅધ્યન છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓની આ લાંબી રજાઓ દરમ્યાન વાંચન, લેખન અને ગણનની લિંક તૂટે નહીં તે માટેની ચિંતા અને ચિંતન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ વ્યક્ત થયેલ છે. જેથી, શાળાના વિદ્યાર્થીઓ આ પ્રતિકૂળતા વચ્ચે કંટાળે નહીં અને જ્ઞાન અને ગમ્મત સાથે પોતાની શૈક્ષણિક સફર ચાલુ રાખી શકે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન મારફત અને જી.સી.ઈ. આર.ટી.દ્વારા ઓનલાઈન શૈક્ષણિક સાહિત્ય મોકલી ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયા ચાલુ રાખેલ છે. જેમાં જુદી જુદી વેબ કાસ્ટ, ન્યુઝ ચેનલ અને વંદે ગુજરાત ના માધ્યમ થકી શૈક્ષણિક એકમો આયોજન મુજબ પ્રસારિત કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા હું વાચું છું, હું સમજુ છું અને હું વિચારું છું જેવી થીમ સાથે ઘો.3 થી 9 ના વિદ્યાર્થીઓ માટે વિકલી સ્વઅધ્યયન કાર્ય ઓનલાઈન મોકલી આપવામાં આવે છે.

જી.સી.ઈ.આર.ટી.દ્વારા લોકડાઉનના સમય દરમ્યાન દરરોજ બાળકોના સર્વાંગીણ વિકાસ અર્થે મોકલવામાં આવતું સાહિત્ય ‘પરિવારનો માળો,સલામત હૂંફાળો’ બાળકોના શૈક્ષણિક અને સર્વાંગીણ વિકાસ માટે ખૂબજ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. વાર્તા, પ્રસંગ, કથા, ગીત,પ્રયોગ, પ્રવૃત્તિ, જંતર મંતર જેવા અધ્યયન બિંદુઓ થકી બાળકોને શિક્ષણ પ્રક્રિયા સાથે જોડી રાખવામાં આવે છે. વળી જી.સી.ઈ. આર.ટી.દ્વારા શબ્દ ભંડોળ એકત્રીકરણ અને શિક્ષકો માટે ‘સર્ટીફિકેટ કોર્સ ઓન બેઝીક એજ્યુકેશનલ સ્ટેટેસ્ટિક કોર્સ’દ્વારા લોકડાઉનના સમયનો ઉચિત ઉપયોગ કરી શિક્ષકો પણ પોતાના શિક્ષકત્વ અને સામર્થ્યને ઉજાગર કરવા માટે પ્રયત્નશીલ છે. તેમજ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા વર્કપ્લેસ ફેસબૂક માધ્યમ થકી લોકડાઉનના સમય દરમ્યાન શિક્ષકો દ્વારા સાહિત્ય સર્જન માટે ગ્રંથાલય જ્ઞાનસંગ્રહ માટે કૌશલ્ય, જ્ઞાન અને વિચારધારાને શબ્દો આપવાનો નવતર પ્રયોગ થયો છે. આમ, લોકડાઉનના આ સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણને કાર્યશીલ રાખવા માટે સ્તુત્ય કાર્યો થઈ રહ્યાં છે.

- text

મોરબી તાલુકાની અંદાજે 182 જેટલી પ્રાથમિક શાળાઓના તમામ શિક્ષકો દ્વારા ફૂડ સિક્યોરિટી બિલ, ફૂડ બિલ, રાશન વિતરણ અને રેપીડ સર્વેની કામગીરીની ફરજો બજાવતા બજાવતા પણ પોતાની શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે વાલીઓ અને વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપ બનાવી, મોબાઈલ સંપર્ક થકી વિદ્યાર્થીઓ સુધી આ તમામ શૈક્ષણિક સાહિત્ય પહોંચાડવામા આવે છે અને તેના ફોલોઅપ પણ લેવામાં આવે છે. સોશ્યલ દૂરીને ધ્યાનમાં લઈ તેની તપાસણી પણ થઈ રહી છે. આ ઉપરાંત, તાલુકાના તમામ શિક્ષકો અન્ય શૈક્ષણિક પી.ડી.એફ. ફાઈલો પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને મોકલી રહ્યાં છે. આમ, મોરબી તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના તમામ શિક્ષકો બાળકોના પરોક્ષ શિક્ષણકાર્ય માટે ખૂબજ સરાહનીય કાર્ય કરી રહ્યાં છે.

મોરબી તાલુકાના તમામ સી.આર.સી અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર સંદીપ આદ્રોજા દ્વારા નિયમિતપણે અને સમયસર શિક્ષણ વિભાગ દ્વારા આવતું સાહિત્ય તાલુકાના શિક્ષકો સુધી ગ્રુપના માધ્યમ થકી પહોંચતું કરવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં કોરોના અંતર્ગત ફિલ્ડમાં લાયઝનિંગની જવાબદારી સંભાળતા હોવા છતાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ સર પણ સતત શિક્ષકોને આ બાબતે પ્રોત્સાહિત કરતા રહ્યાં છે અને વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ સી.આર.સી., બી.આર.સી.ના માધ્યમ થકી કોરોના જાગૃતિ અને શૈક્ષણિક તેમજ શાળાકીય ફીડબેક મેળવી રહ્યાં છે.

- text