હળવદ : વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

- text


હળવદ પોલીસએ ૩૬ બોટલ દારૂ સાથે એક કાર સહિત રૂ. ૧,૧૦,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો

હળવદ : ગત મોડી રાત્રીના હળવદ પોલીસ દ્વારા શહેરી વિસ્તારના વિવિધ રસ્તાઓ પર પેટ્રોલિંગમાં હોય તે અરસામાં મોરબી ચોકડી નજીક પોલીસ દ્વારા એક કારને દારૂ સાથે ઝડપી લીધી હતી. સાથે જ તેમાં રહેલ બુટવડાના બે શખ્સોને પણ દબોચી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ પી.આઈ. સંદિપ ખાંભલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના યોગેશદાન ગઢવી, દેવુભા ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે અરસામાં મોરબી ચોકડી નજીક આવેલ વોરા સોસાયટી તરફ જવાના રસ્તે એક કાળા કાચ વાળી એસેન્ટ કાર શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસ દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ કારચાલક હંકારી મુકતા પોલીસ દ્વારા તેનો પીછો કરી કાર અટકાવી તેમાં તપાસ કરાતા કારથી ૩૬ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી, પોલીસ દ્વારા કારમાં સવાર બુટવડા ગામના માંડણભાઇ રામાભાઈ અને વિશાલભાઈ લક્ષ્મણભાઈને ઝડપી લીધા હતા.

- text

ઝડપાયેલા દારૂ સાથે બંને આરોપીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે પોલીસ દ્વારા આ બન્ને શખ્સો કેટલા સમયથી વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. તેમજ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો? અને કોને આપવામાં આવનાર હતો તેમજ અગાઉ કેટલા કેટલા લોકોને દારૂ આપવામાં આવ્યો છે તેમ સહિતની ઝીણવટભરી તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના બુટલેગરોને મન એવું છે કે પોલીસ હાલ લોકડાઉનને લઇ તે કાર્ય તરફ વ્યસ્ત હોય છે. જેથી, પાછલા બારણે બુટલેગરો દારૂની હેરાફેરીનું ષડયંત્ર રચી રહ્યા છે ત્યારે બુટવડા ગામના પણ બન્ને શખ્સો એ કંઈક આવું જ સમજી દારૂની હેરાફેરી કરતા હોવાનું જાણવા મળ્યું છે અને આખરે પોલીસના હાથે ચડી ગયા છે.

- text