મોરબીના કાલિકા પ્લોટમાં થયેલા ફાયરિંગ મામલે એક શખ્સ સામે ગુનો નોંધાયો

- text


એક શખ્સે જૂની અદાવત મામલે તમંચાથી ફાયરિંગ કરીને યુવાને ગંભીર ઇજા કર્યાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં ફાયરીગ થયું હતું. આ ફાયરીગ પ્રકરણમાં હવે એક શખ્સ સામે ગુનો નોંધાયો છે. જેમાં એક શખ્સે જૂની અદાવત મામલે તમંચાથી ફાયરિંગ કરીને યુવાને ગંભીર ઇજા કર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જૂની અદાવત મામલે ફાયરીગ થયું હતું. આ ફાયરીગમાં કાલિકા પ્લોટમાં રહેતા રહીમભાઈ વલીમામદ વીરમાણીને ગોળી વાગતા ગંભીર ઇજા થવાથી તેને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવને પગલે મોરબી પોલીસ યુવાનની ફરિયાદ લેવા રાજકોટ દોડી ગઈ હતી.

- text

જ્યાં યુવાને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.25 ના રોજ મોરબીના કાલિકા પ્લોટમાં જલાલ ચોકમાં આવેલ આરોપી દાઉદ મામદભાઈ પલેજાની ઓફિસની છત ઉપર ફરિયાદી રહિમભાઈ અન્ય વ્યક્તિઓ સાથે બેઠા હતા. તેથી, આરોપી દાઉદે પોતાના પાસે રહેલા ગેરકાયદે તમંચા જેવા ઘાતક હથિયારથી ફરિયાદી ઉપર ફાયરીગ કરતાં ફરિયાદીને ગુપ્તભાગે તેમજ ડાબા હાથ ઉપર ઇજા થઈ હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે આર્મ્સ એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text