મોરબીમા ઠેર ઠેર ઉભરાતા ગટરના ગંદા પાણીથી ગંભીર રોગચાળાનો તોળાતો ખતરો

- text


મોરબી : ચોમાસા દરમ્યાન ભોગવવી પડેલી યાતનાઓનો અંત હજુ માંડ આવ્યો છે ત્યાં ગરમીની શરૂઆતમા જ મોરબીવાસીઓ માટે નવી મુસીબતો મોઢું ફાડીને ઉભી હોય એવો તાલ સર્જાયો છે.

શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો ખતરો મોરબીવાસીઓ પર ઝળુંબી રહ્યો છે. જાહેર માર્ગો પર ભૂગર્ભ ગટર ઉભરાવવાને કારણે સ્થાનિકોને જીવવુ દુષ્કર બન્યું છે ત્યારે બીજી તરફ રાહદારીઓ અને વાહનચાલકોને પણ વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે.

- text

નાગરિકોની હાલાકી જોતા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય કિશોરભાઈ સંતોકીએ નગરપાલિકા તેમજ આરોગ્ય તંત્ર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી છે. રજુઆતમા ઉભરાતી ભૂગર્ભ ગટરને કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો ખતરો નાગરિકો પર મંડરાઈ રહ્યો હોવાનું જણાવતા કિશોરભાઈએ સત્વરે આ સમસ્યામાંથી સ્થાનિકોને છુટકારો અપાવવા માંગ કરી છે. જિલ્લા મથક હોવા છતાં જિલ્લા કક્ષાની પ્રાથમિક સુવિધાઓ હજુ મોરબીને મળી નથી અને કોંગ્રેસ શાસિત એ ગ્રેડની નગરપાલિકા હોવા છતા તાલુકા કક્ષાની કામગીરી પણ થતી ન હોવાનો આક્ષેપ કિશોરભાઈએ કર્યો છે. ધારાસભ્ય કોંગ્રેસના છે, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર કોંગ્રેસનું શાસન હોવા છતા વિકાસના કોઈ કામ થતા નથી. સ્વચ્છ રોડ-રસ્તા અને પીવાનું પાણી તેમજ ભૂગર્ભ ગટર જેવી પાયાની સુવિધાઓ ગ્રામ્યકક્ષા કરતા પણ વધુ ખાડે ગઈ હોય તેવું મોરબી શહેરમાં ફરતા સ્પષ્ટ થઈ જાય છે. તંત્ર વાહકો નાગરિકોની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવે એવી માંગ કિશોરભાઈએ રજૂઆતના અંતમાં દોહરાવી છે.

- text