મોરબીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીના રજિસ્ટ્રેશનમા સગાવાદ થતા ખેડૂતોનો હલ્લાબોલ

- text


ઓપરેટરો પોતાના લાગતા વળગતા ગામના 30થી 40 ખેડૂતોનો જ વારો લેતા સવારથી લાઈનમાં ઉભેલા અન્ય ખેડૂતો અકળાયા : જવાબદાર અધિકારીની સતત ગેરહાજરી : હોબાળા બાદ ટોકન સિસ્ટમ શરૂ કરાઇ

મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા ખરીદી માટે રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. જેમાં ઓપરેટરો સગાવાદ ચલાવતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. આ હોબાળા બાદ ટોકન સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં પુરવઠાના ગોડાઉન પાસે ટેકાના ભાવે ચણા ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં દરરોજ ખેડૂતો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન માટે ઉમટી પડે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 2થી 3 દિવસથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયામા ઓપરેટરો દ્વારા સગાવાદ ચલાવવામાં આવતો હતો. તેને લાગતા વળગતા ગામના 30થી 40 ખેડૂતોનું એક સાથે રજિસ્ટ્રેશન કરવામા આવતું હતું. જેથી વહેલી સવારથી લાઈનમાં ઉભેલા ખેડુતોને તમાશો જ જોવા મળતો હતો.

- text

રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ચાલતી આ ગોલમાલ સામે પગલા લઇ શકે તેવા કોઈ જવાબદાર અધિકારીઓ અહીં હાજર રહેતા ન હતા. અને ખેડૂતો અધિકારીઓને ફોન કરે તો તેઓ ફોન રિસીવ પણ કરતા ન હતા. આ ઘટનાનું આજે પણ પુનરાવર્તન થયું હતું. ટંકારાના એક ગામના 30થી 40 ખેડૂતોનું એક સાથે રજિસ્ટ્રેશન કરવામા આવી રહ્યું હતું. તે વેળાએ ખેડૂતોએ અકળાઈને હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ હોબાળો મચાવતા રજિસ્ટ્રેશન માટે ટોકન સીસ્ટમ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ટેકાના ભાવે ખેત ઉત્પાદનની ખરીદી વેળાએ અનેક કાળા ધબ્બારૂપ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ચણાની ખરીદીના રજિસ્ટ્રેશનમા જ સગાવાદ સામે આવ્યો છે. જો કે ખેડૂતોએ જાગૃત બનીને તેનો વિરોધ પણ કર્યો છે. પરંતુ હજુ આ ખરીદી પૂર્ણ થાય ત્યાં સુધીમાં કેવા કેવા કિસ્સાઓ બહાર આવે છે તે જોવું રહ્યું.

- text