મોરબી : પોલીસના ખોટા નામ-હોદ્દા ધારણ કરી પૈસા પડાવતા બે પકડાયા

- text


મોરબી : મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા પોલીસના ખોટા નામ-હોદ્દા ધારણ કરી સોની મહાજનોને ફોન ઉપર જુની સોના ખરીદી કરેલ હોય, જે ગુનામાં ફીટ કરી દેવાની ધાક-ધમકી આપી પૈસા પડાવતાં બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા.

મોરબી એલ.સી.બી. દ્વારા ટેકનિકલ માધ્યમથી આરોપી કિશન પ્રભુભાઈ દેશાણી (ઉ.વ. 25, રહે. વાંકાનેર, પેડક વિસ્તાર, મૂળ રહે. નળિયાં, તા. મુળી, જી. સુરેન્દ્રનગર) તથા આરોપી પરવેજ ઉર્ફે એસાન ઉર્ફે ભોલો અનવરભાઈ કાજી (રહે. રફાળેશ્વર, મચ્છોનગર, તા. જી. મોરબી, મૂળ રહે. ટંકારા, પોલીસ સ્ટેશન પાછળ, નાગરનાકા પાસે, તા. ટંકારા)ને છેતરપીંડીના ગુનામાં પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન નંગ-2, કી.રૂ. 5000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેઓની પૂછપરછ કરવામાં આવતા આરોપી કિશન અગાઉ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતો-ફરતો હોવાની કબૂલાત કરી હતી.

આ બનાવના આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં ગુગલ સર્ચ કરી અલગ-અલગ સોની કામ કરતા સોની મહાજનોના નામ, મોબાઈલ નંબર અને દુકાનનું નામ-સરનામું મેળવી સોની મહાજનોને પોલીસના નામથી ફોન કરી અન્ય મોબાઈલમાં પોલીસ વાયરલેસ સેટ નામની એપ્લિકેશન ચાલુ કરી ડરાવી-ધમકાવી જૂનું સોનુ ખરીદેલ હોય, જે ગુનામાં ફિટ નહિ કરવાના બહાને રૂપિયાની માંગણી કરી બળજબરીથી પૈસા પડાવવાના ગુનો કર્યો હતો.

આ કાર્યવાહીમાં મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ સહિતના સ્ટાફ જોડાયેલા હતા.

- text

આ બનાવના અનુસંધાને મોરબી જિલ્લા SP ડો. કરણરાજ વાઘેલા દ્વારા આજે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને છેલ્લા 10 દિવસથી માહીતી મળી હતી કે અમુક શખ્સો સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં સોની, જ્વેલર્સ કે નાણાં ધિરાણ કરનારાઓનો મોબાઈલ વડે સંપર્ક કરીને પોલીસની ખોટી ઓળખ આપીને તેઓ સાથે પૈસાનો તોડ કરે છે. હાલના તબક્કે પકડાયેલા આરોપીઓએ પોરબંદર તથા રાજકોટમાં આ રીતે સોનીઓ પાસેથી પૈસા પડાવ્યા હોવાની કબૂલાત આપે છે. તેમજ આ આરોપીઓને રિમાન્ડ પર લઇ તેઓ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહિ, તે જાણી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત, પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ મીડિયાના માધ્યમથી સોની, જ્વેલર્સ કે નાણાં ધિરાણ કરનારાઓને અપીલ કરી છે કે પોલીસના નામે કે પોલીસની ખોટી ઓળખ આપીને કોઈને ફોન આવ્યો હોય કે આ રીતે કોઈને ફોન આવે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી. તેમજ મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ દ્વારા સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના દરેક જિલ્લા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવેલ છે આ રીતની કોઈ ફરિયાદ આવી હોય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલને માહિતગાર કરે તેમ તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

- text